પત્ની અને સાસુને ટ્રેનમાં બેસાડવા ગયેલા આશાસ્પદ યુવાનની અણધારી વિદાયથી પરિવાર શોકમાં ગરકાવ
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના રેલવે સ્ટેશન ખાતે ગઈકાલે સવારે પોતાના ધર્મપત્ની અને સાસુને ટ્રેનમાં બેસાડવા ગયેલા મોરબીના જાણીતા ઘડિયાળ ઉદ્યોગપતિ સાથે કરૂણ ઘટના બની હતી જેમાં પત્ની અને સાસુને એસી કોચમાં બેસાડી ટ્રેનમાંથી ઉતરવા જતા સમયે ટ્રેને સ્પીડ પકડી લેતા નીચે પટકાતા હેમરેજ થઇ જતા આશાસ્પદ ઉદ્યોગપતિનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં આવેલ સાયન્ટિફિક ક્લોકના માલિક નકુલભાઈ જયેશભાઈ મીસ્ત્રી (ઉં.વ. 35) ગઈકાલે સોમવારે સવારે રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોતાના ધર્મપત્ની અને સાસુને વલસાડ જવું હોય વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે બેસાડવા માટે ગયા હતા.
આ સમયે તેઓ ટ્રેનના એસી કોચમાં સમાન સહિતની વસ્તુઓ મુકવા જતા ટ્રેન અચાનક જ ચાલુ થઇ જતા તેઓ ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નકુલભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવને લઈને પરીવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.