તાલુકા પોલીસે વાયરલ વિડીયો આધારે શખ્સની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં ગઇકાલે હોટલ નોવા ગ્રુપ દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન થયું હતું, જેમાં એક શખસ અહીં નવા વર્ષની ઉજવણી દરમિયાન એનિમલ પિક્ચરના જમાલ કુડુ ગીત પર પોતાના હાથમાં નાની દારૂની બોટલ રાખી ઉજવણી કરતો હોય તેવું નજરે પડી રહ્યું છે. આ શખસને વાઇરલ થયેલા વીડિયોના આધારે શોધી કાઢવા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં ટેક્નિકલ એનાલિસિસ આધારે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં આ વીડિયો ગૌરવ રાઠોડ નામના યુવાને બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હોવાની કબૂલાત આપી હતી. તેમને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ન્યારી ડેમ પાસેથી તેને ખાલી દારૂની નાની બોટલ મળી આવી હતી. જે પોતે લઇ ન્યુયર પાર્ટીમાં અંદર લઇ જઈ રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વધુ લાઇક્સ મેળવવા વીડિયો બનાવ્યો હતો. હાલ પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વધુ લાઇક્સ અને વધુ વ્યૂ મેળવવાની ઘેલછામાં યુવાનો અવનવી રીલ્સ બનાવી વાઇરલ કરતા હોય છે અને આ માટે તેઓ અવારનવાર કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. વધુ એક વખત એવું જ થયું છે અને રાજકોટના યુવાને રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો તોડી દેતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.