આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
પિતાએ વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી કરી ફડાકા મારતા વચ્ચે પડેલા પુત્રનું ઢીમ ઢાળી દીધું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એક હત્યાનો ભેદ ઉકેલીને પોલીસે માંડ હાશકારો અનુભવ્યો હતો ત્યાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરીમાં રહેતાં ઠાકર મિહીરભાઈ તેજશભાઈ નામના 21 વર્ષીય યુવાને કમલેશ ગોસાઈ અને તેના બે પુત્રો જીગર ગોસાઈ અને જયદેવ ગોસાઈ સામે ગાંધીગ્રામ પોલીસમાં કલમ 302, 307 અને મનીલેન્ડ હેઠળ નોંધાવેલી ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ભીલવાસ ચોક પાસે આવેલ અંબીકા આરકેડ બીલ્ડીંગમા નીલકંઠ સર્જીકલમા નોકરી કરે છે. તેના પિતા તેજશભાઇ ડ્રાઇવીંગ કામ અને માતા સુનિતાબેન ઘરકામ કરે છે. તેઓ બે ભાઈ છે, જેમા મોટાભાઈ સુરજભાઈ (ઉ.વ.23) તે સંતકબીર રોડ પર આવેલ જેનીશ ઇમીટેશનમા કામ કરે છે અને તેને એકાદ વર્ષ પહેલાં પ્રિતી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલ છે. એકાદ મહીના પહેલા પિતાએ તેમના મિત્ર કમલેશ ગોસાઈ લાખના બંગલા પાસે ખોડીયાર પાન ધરાવે છે, અને તે બાજુ રહે છે. તેની પાસેથી રૂ. 20 હજાર વ્યાજે લીધેલ હતા અને વ્યાજ પેટે દરરોજ રૂ.200 ચુકવાના હતા. તે દરમિયાન મારા ફુવા મેહુલભાઇ પુજારાને પૈસાની જરૂરીયાત પડતા મારા પિતાએ પોતાની જવાબદારી પર દશેક દિવસ પહેલા કમલેશ પાસેથી રૂ.10 હજાર અપાવેલ હતા. ગઇ કાલ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ મારા ફુવા અને પિતા કમલેશની ખોડીયાર પાન પર પૈસા આપવા માટે ગયેલ હતા બાદમાં સાડા નવેક વાગ્યાના અરસામા મારા પિતા તથા ફુવા ઘરે આવેલ હતા. ત્યારે હું મારી માતા અને ભાઈ સુરજ ત્રણેય ઘરે હાજર હતા. ત્યારે મારા પિતાએ જણાવેલ કે, હુ તથા તારા ફુવા કમલેશને ફુવાએ વ્યાજે લીધેલ રૂ. 10 હજાર પરત આપવા ગયેલ હતા, તે દરમ્યાન કમલેશે આજનુ વ્યાજ પણ આપવું પડશે તે અંગે મારા સાથે માથાકુટ થયેલ હોય અને તેઓએ મને બે-ત્રણ ફડાકા ઝીંકેલ હતાં. ત્યારબાદ તેઓને પૈસા આપી નીકળી ગયેલ હતા.
ત્યારબાદ મારા પિતા મારા ફુવાના ઘરે જતા રહેલ હતા, ત્યારબાદ હુ મારી માતા તથા ભાઈ સુરજ એકટીવા લઇ તેઓને રૂ.20 હજાર પરત આપવા ગયેલ હતા. ત્યારે ખોડીયાર પાને જીગ2 બેઠેલ હતો. જેથી મારા માતાએ જીગરને કહેલ કે, તારા પિતાને બોલાવ અમારે તેઓને પૈસા આપવા છે. તેમ કહેતા આ જીગરે ફોન કરી તેના પિતાને ખોડીયાર પાને બોલાવેલ હતા, થોડીવારમા કમલેશ અને તેનો મોટો દીકરો જયદેવ દુકાને આવેલ હતા. દરમ્યાન મારા માતાએ કમલેશભાઈને કહેલ કે, તમોએ વગર વાંકે મારા પતિ સાથે ઝગડો કરી તેઓને ફડાકા ઝીંકેલ છે.અમારે તમારા પૈસા જોતા નથી. તેમ કહેતા કમલેશ તથા તેના બંન્ને દીકરા ઉશ્ર્કેરાય ગયેલ અને અચાનક જીગરે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી સુરજ પર છરીનો ઘા કરતા પડખાના ભાગે છરી વાગેલ હતી. તે દરમ્યાન અમે વચ્ચે છોડાવવા પડતા કમલેશ તથા તેના પુત્ર જયદેવે લાકડાના ધોકા દુકાનમાંથી કાઢી મારા માતાને મોઢાના ભાગે અને પીઠના ભાગે ઘા મારતા તે પડી જતા બંન્ને ભાઈઓ તેને છોડાવવા જતા જયદેવ અને કમલેશએ મારા ભાઇને પકડી રાખેલ અને જીગરે મારા ભાઈને માથાના ભાગે તથા છાતીના ભાગે છરીના બે-ત્રણ ઘા મારતા તે લોહીલુહાણ થઈ પડી દેકારો કરતા ત્યાં લોકો એકઠાં થઈ જતા ત્રણેય પિતા-પુત્ર નાસી છૂટ્યા હતાં. ઝગડામા આરોપી જીગરને પણ છરી વાગેલ હતી. તેમજ મારા માતા અને ભાઈને ગંભીર ઇજા થતા મારા પિતાને બોલાવેલ હતા. બાદમાં બંને ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડેલ હતાં. જ્યાં તેના ભાઈ સૂરજને ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ એમ.જી.વસાવા અને ટીમે આરોપીઓને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.
વ્યાજખોર કમલેશ ગોસાઈ અને તેના પુત્ર જયદેવ અને જિગરે વ્યાજખોરીના રૂપિયા મામલે 23 વર્ષીય સૂરજ ઠાકર નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનોમાં આઘાત સાથે આરોપી સામે આક્રોશ ફેલાયો હતો અને જ્યાં સુધી ત્રણેય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
સામા પક્ષે એક આરોપીને પણ ઇજા થઈ હોય મૃતક સહિત પાંચ સામે વળતી ફરિયાદ નોંધાવાઈ
હત્યા, હત્યાની કોશિષના બનાવમાં પોલીસે આરોપી પૈકીના જીવંતીકાનગરના 21 વર્ષીય જીગર કમલેશગીરી ગોસાઇએ તેજસ ઠાકર, તેના બે પુત્રો સુરજ ઠાકર, મિહીર ઠાકર, પત્નિ સુનિતા ઠાકર અને તેજસભાઇના બનેવી મેહુલ પુજારા વિરૂધ રાયોટીંગ સહિતની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતા કમલેશગીરી પાનનો ગલ્લો ચલાવીએ છીએ તેજસભાઇ અને તેના પુત્રો અમારા પાનના ગલ્લે આવતાં જતાં હોઇ તેની સાથે એકાદ વર્ષની ઓળખાણ હતી અને સામાજીક સંબંધો હતો. આથી મારા પિતાએ થોડા સમય પહેલા રૂા. 20 હજાર ઉછીના તેજસભાઇને આપ્યા હતાં. આ રકમની લેતીદેતી મુદ્દે ગત રાતે તેજસભાઇ સહિતનાએ ટોળકી રચી અમારી દુકાને આવી માથાકુટ કરી હતી અને મને તથા મારા ભાઇ જયદેવગીરી તથા પિતાને ગાળો દઇ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સુરજ અને મિહીરે છરીઓ કાઢી હુમલો કરતાં મને માથામાં અને વાંસામાં ગંભીર ઇજા પહોંચી હતી. પીએસઆઇ એમ. વી. હરિયાણીએ આ ગુનો અલગથી દાખલ કરાવ્યો હતો. પોલીસે કમલેશગીરીને સકંજામાં લઈ લીધો છે. કમલેશગીરીએ રટણ કર્યુ હતું કે અમારી પાસે છરી હતી જ નહિ, અમારા પર સુરજ અને મિહીરે છરીથી હુમલો કરતાં તેની જ છરીથી અમે બચાવ માટે વળતો પ્રહાર કર્યો હતો.