‘સેવાની હૂંફ’ અભિયાન હેઠળ જરૂરિયાતમંદોને ગરમ કપડાં અને રાશન કીટનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જ્યારે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ડાન્સ અને પાર્ટીઓ પાછળ ખર્ચ કરે છે, ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવીય અભિગમ સાથે 31 ડિસેમ્બરની ઉજવણી કરી છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ’સેવાની હૂંફ’ અંતર્ગત પોતાના ઘરેથી અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 23,997 પહેરવાલાયક વસ્ત્રો એકઠા કરી સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એકત્રિત કરાયેલા વસ્ત્રોમાં સ્વેટર, જેકેટ, ધાબળા અને અન્ય પહેરવેશનો સમાવેશ થાય છે. છજજ-રાજકોટના સહયોગથી આ વસ્ત્રો રૈયાધાર, લોહાનગર, આજીડેમ અને મીઠાના અગરિયા જેવા વિસ્તારોમાં વહેંચવામાં આવશે. આ ઉપરાંત, કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મની બચાવીને દિવ્યાંગોને રાશન કીટ અર્પણ કરી હતી. આ તકે કિશોરભાઈ રાઠોડે વિદ્યાર્થીઓને ચક્ષુદાનના સંકલ્પ પણ લેવડાવ્યા હતા. સી.જે. ગ્રુપના સહયોગથી સૌથી વધુ વસ્ત્રો એકત્રિત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા અને શિક્ષણ સમિતિના સભ્યોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે સાબિત કર્યું કે 13 થી 17 વર્ષના કિશોરો પણ સામાજિક પરિવર્તન લાવી શકે છે. કાતિલ ઠંડીમાં જરૂરિયાતમંદોને સેવાની હૂંફ આપવાનું આ કાર્ય સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ બન્યું છે.



