16મી જૂને ઇમ્પેકટની ડેડલાઇન : છતાં અસંખ્ય ફાઇલો પેન્ડિંગ : કામ કરનાર કોઇ ટીમ જ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
- Advertisement -
રાજકોટ મનપા તંત્રને ટીઆરપી આગકાંડ બાદ જાણે કે લકવો થઇ ગયો હોય તેમ વહિવટના તમામ કામો અટકી ગયા છે. ખાસ કરીને બાંધકામ શાખામાં તો જાણે કે કોઇ કામ કરનાર ન હોય તેવી સ્થિતિ છે. આગામી 16મી જુનના રોજ ઇમ્પેકટ યોજના હેઠળના તમામ પ્રોજેકટ ઇન્વર્ડ કરાવવાની ડેડલાઇન છે પરંતુ આર્કિટેકટ અને એન્જીનિયરો દ્વારા મૂકવામાં આવતા ઇન્વર્ડ પ્લાન કોઇ સ્વીકારવા તૈયાર નથી તથા તેના માટે જવાબ આપનાર એક પણ જવાબદાર અધિકારી પણ નથી. બાંધકામ ઉદ્યોગમાં જાણે કે આ કારણે કરોડો રૂપિયાના પ્રોજેકટ ઠપ્પ થઇ ગયા છે.
બાંધકામ ઉદ્યોગના સુત્રોના જણાવ્યા મુજબ ટીઆરપીકાંડ થયો તે પછી જે કાયદેસર કામ કરે છે અને કાયદાને અનુસરીને મનપામાં પોતાના પ્રોજેકટ મુકે છે તેવા તમામ આર્કિટેકટ અને ઇજનેરોએ જાણે કે ગુનો કર્યો હોય તેમ મનપા તંત્ર એક પણ કાગળની હાથ અડાડતી નથી. નવા કમિશનરને રાજકોટ મનપાની ઇમ્પેકટ યોજનાનો અમલ કરાવવા માટે નીચેના અધિકારીઓએ પૂરતી બ્રીફ પણ આપી હોય તેવું લાગતું નથી.
કારણ કે કોઇપણ આર્કિટેકટ કે ઇજનેર દ્વારા ઇમ્પેકટ યોજના હેઠળ ઇન્વર્ડ કરાયેલા ડોકયુમેન્ટની કોઇ જ પ્રગતિ થઇ નથી. સરકારે જાણે કે ‘સ્ટેટસ્કવો’ લાદી દીધો હોય તેમ રાજકોટના સમગ્ર બાંધકામ ઉદ્યોગની ઇમ્પેકટ યોજનાની કામગીરી થંભી ગઇ છે. જેટલો સમય આ કામ નથી થયું તેટલો સમય આ યોજનાની મુદત વધારવા પણ નજીકની ભવિષ્યમાં માંગણી થનાર છે. આ અંગે રાજયના શહેરી વિકાસ મંત્રાલય સુધી કોણ રજુઆત કરવા માટે સંગઠનમાં તજવીજ થઇ છે.