માણસ મનથી કંઈક પ્રાપ્ત કરવાનું નક્કી કરે અને એ માટે પોતાની જાતને હોમી દે તો અપ્રાપ્ય લાગતું હોય એ પણ પ્રાપ્ત કરી શકાય છે.
જામનગરના એક પછાત વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ પરમાર નામના એક ભાઈ નાનાં-નાનાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રદીપભાઈએ એક સપનું જોયેલું કે હું જે રીતે હેરાન થાઉ છું, એવી રીતે મારા દીકરાને હેરાન નથી થવા દેવો. મારે એને ભણાવીગણાવીને મોટો સાહેબ બનાવવો છે.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવા છતાં પ્રદીપભાઈએ દીકરા સુશીલને ભણાવવાનો દૃઢ નિર્ધાર કર્યો. ખાનગી શાળાની ફી ભરવી તો ક્યાંથી પોસાય? એટલે સુશીલને સરકારી શાળામાં ભણાવવામાં આવ્યો. સુશીલ પણ મન લગાવીને પિતાનાં સપનાંને સાકાર કરવા મંડી પડયો. બી.બી.એ. સુધીનો અભ્યાસ કર્યા પછી હવે એમ.બી.એ. કરવાનું હતું. એમ.બી.એ. માટે અમદાવાદની કોલેજમાં સુશીલને એડમિશન મળ્યું. ફી તો હજુ પણ કદાચ જેમતેમ કરીને ભરાઈ જાય પણ રહેવા-જમવાના પૈસા ક્યાંથી કાઢવા?
સુશીલના પિતા પ્રદીપભાઈ જામનગરના એક વેપારી પાસે ગયા. આ વેપારી પ્રદીપભાઈને લાઇટર બનાવવાનો કાચો માલ પૂરો પાડતા અને પ્રદીપભાઈ આ કાચા માલને એસેમ્બલ કરીને એમાંથી લાઇટર બનાવતા. એક લાઇટર બનાવવાની 30 પૈસા જેટલી મજૂરી મળતી. પ્રદીપભાઈએ એના શેઠને વિનંતી કરી, શેઠ મને થોડો વધુ કાચો માલ આપો. મારે ભલે મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડે પણ મારે મારા દીકરાને ભણવા માટે અમદાવાદ મોકલવો છે. મને આ માટે પૈસાની જરૂર છે. જો તમે વધારે કામ આપશો તો હું વધુ પૈસા કમાઈ શકીશ અને મારા દીકરાની ફી ભરવા માટે બચત કરી શકીશ.
- Advertisement -
પોતાના પિતાને બીજા પાસે હાથ જોડીને કરગરતા જોઈ સુશીલને બહુ લાગી આવ્યું. એણે ત્યારે જ નિર્ણય કર્યો કે હવે રાત-દિવસ મહેનત કરીને મોટા સાહેબ બનવું છે. એવા મોટા સ્થાન પર પહોંચવું છે કે જ્યાં હું લોકકલ્યાણનાં કામ કરી શકું અને આજે મારા પપ્પા જેની સામે હાથ જોડીને ઊભા હતા એવા વેપારીઓ મારી સામે હાથ જોડીને ઊભા હોય ! સુશીલ ભણવા માટે અમદાવાદ ગયો. પિતાની આર્થિક પરિસ્થિતિ જોઈને એણે એક બીજો નિર્ણય કર્યો કે મારે મારા પિતાજી પર વધુ આર્થિક બોજ નથી નાંખવો. હું મારા અભ્યાસનાં વર્ષો દરમ્યાન જો માત્ર એક વખત જમું તોપણ ખર્ચમાં ઘણી બચત થાય. આ છોકરાએ એના એમબીએના અભ્યાસ દરમ્યાન લગભગ 2 વર્ષ સુધી માત્ર એક જ વખત જમીને અભ્યાસ પૂર્ણ કર્યો. પેટની ભૂખને એણે સફળતાની ભૂખમાં બદલી નાંખી અને પોતાના સંકલ્પને સાકાર કરવા મંડી પડયો.
એમબીએ પૂરું કરીને નાની-મોટી નોકરીઓ કરી. પણ સપનું તો મોટા સાહેબ બનવાનું હતું એટલે એણે નોકરી કરતાં કરતાં જીપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ કરી. પુરુષાર્થના પરિણામ રૂપે સુશીલ પરમાર જીપીએસસીની પરીક્ષા પાસ કરી સીધો જ ડેપ્યુટી કલેક્ટર બની ગયો. માણસ મનથી કંઈક પ્રાપ્ત કરવાનું નક્કી કરે અને એ માટે પોતાની જાતને હોમી દે તો અપ્રાપ્ય લાગતું હોય એ પણ પ્રાપ્ત કરી શકાય છે.