ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ તફાવત નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકોટની બજારોમાં રાખડી લેવા માટે બહેનોની ભારે ભીડ જોવા મળી રહી છે. બજારોમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે. માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો. આ વર્ષે જયશ્રી રામ પ્રતીકવાળી રાખડીઓ નવી વેરાયટીમાં જોવા મળી રહી છે. રક્ષાબંધનના તહેવારને લઈને બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓની ડિમાન્ડ સાથે બહેનો પોતાના ભાઈના કાંડે કઈ રાખડી શોભશે તેને લઈને સતત બજારમાં જોવા મળી રહી છે.
- Advertisement -
તો બીજીબાજુ વેપારીઓ પણ રાખડીનો વેપાર કરવા તત્પર બન્યા છે. રૂા. 10થી શરૂ થઈ 500 સુધીની રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે. બહેનો દુકાનો અને લારીઓ પર રાખડીઓ લેવા માટે ઉમટી પડી છે. જો કે વધુ ટ્રેન્ડમાં હોય છે તેવી ઓમકારવાળી, સ્વસ્તિકવાળી, સુખડની, રુદ્રાક્ષવાળી, તિરંગાવાળી, અમેરિકન ડાયમંડવાળી રાખડી અને ખાસ કરી ભાભી માટે લુમ્બા રાખડી, ભાઈ-ભાભી કપલ રાખડી, બાળકો માટે નારુકો, સુપરમેન, સ્પાઈડરમેન, ટેડી બેરની લાઈટવાળી રાખડી વધુ આકર્ષણ જમાવી રહી છે. આમ તો રાખડીઓની કિંમત તો તહેવારનો ભાગ છે પરંતુ ભાઈ-બહેનનો પ્રેમ અને તેની ઉજવણીનો ઉત્સાહ જ અમૂલ્ય છે.