ખેલૈયાઓ દરરોજ લાખેણા ઇનામો: રોજ અલગ-અલગ કોમ્પીટિશનો, ડેઇલી થીમ સહિતના આકર્ષણો ઉપરાંત સરપ્રાઇઝ ઇવેન્ટ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ કે જેની જૈન ખેલૈયાઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. તે સતત છઠ્ઠા વર્ષે દર વર્ષ કરતા કંઇક વિશેષતા સાથે યોજવા જઇ રહ્યો છે. જૈનમમાં ખ્યાતનામ ગાયકો, સાજીંદાઓ દ્વારા આપણી ભારતીય, હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ ગીત, સંગીત, સુર, તાલ, લય સાથે ખેલૈયાઓને રમવા માટે મજબૂર કરી દે છે. જેમાં કોઇ પણ પ્રકારના વલ્ગારીટી વગરના કે દ્વિઅર્થી ભાષાવાળા કોઇ ગીતો કે શબ્દોનો ઉપયોગ કર્યા વગર શુદ્ધ સંગીત પીરસવામાં આવે છે. પરિવારના દરેક સભ્યોને કર્ણપ્રિય એવા જૂના, મધ્યમ, લેટેસ્ટ, ગુજરાતી, હિન્દી તેમજ આપણા કાઠીયાવાડી લોકસાહિત્યમાંથી ચુનિંદા ગીતોનો સમાવેશ કરી સુંદર આયોજન સાથે રોજેરોજ અવનવી પ્રસ્તુતિ દ્વારા જૈનમના ખેલૈયાઓ રોજ નવા ગીતોના તાલે ઝુમી ઉઠે છે. જૈનમ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ કે જેમને 15થી પણ વધુ ખ્યાતનામ એવોર્ડસ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત છે. જેમને છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતભિાથી એક નવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે. તેવા પંકજભાઇ ભટ્ટએ 8000થી વધુ મ્યુઝીક આલ્બમ, 150થી પણ વધારે ગુજરાતી ફિલ્મ અને 10થી વધારે હિન્દી ફિલ્મોને પોતાના સંગીતથી સજાવી છે. ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે 50,000થી પણ વધારે ગીતો કમ્પોઝ કરનાર વિશ્વના વિવિધ દેશોમાં પોતાની સંગીતકલાના માધ્યમથી ગુજરાતી સંગીતને લોકપ્રિય બનાવનાર પંકજભાઇ ભટ્ટ જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગાયકો તથા સાજીંદાઓને લીડ કરે છે.
આ વર્ષે પણ જૈનમ નવરાત્રી મહોત્સવમાં પંકજભાઇ ભટ્ટ તેમજ તેમની ટીમના સાજીંદાઓ સાથેનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા જૈનમના ખેલૈયાઓ તથા હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાં આ મહોત્સવને લાઇવ જોનારા દર્શકોને ખૂબ આનંદ કરાવશે. નવરાત્રીમાં પોતાના ગીતોથી ખેલૈયાઓને ઘેલુ લગાડવા માટે ગાયકોની ટીમ સજ્જ થઇ ચૂકી છે. આ વખતે ગાયકોમાં મુખ્યત્વે જોઇએ તો સિંગર ઉમેશ બારોટ, વર્સેટાઇલ સિંગર પ્રીતી ભટ્ટ, સિંગર પરાગી પારેખ, ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર, વિશાલ પંચાલ-અમદાવાદના વર્સેટાઇલ સિંગર તેમજ ફ્યુઝન સીંગર નમ્રતા ગોસલીયા જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતના તાલે ડોલાવશે.



