ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
જિલ્લા અધિકારીઓ એ મેળા ગ્રાઉન્ડ ખાતે બેઠક યોજયા બાદ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સુવિધા વધારવા સંબંધિત એજન્સીઓને માર્ગદર્શન આપ્યું લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ સારી રીતે માણી શકે તેવા આશયથી વિશાળ એ.સી. ડોમ બનાવશે ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમીના યોજાશે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તા. 17 થી 21 એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિધ કાર્યક્રમો અને કારીગરોને રોજગારીનું પ્લેટફોર્મ મળે તે રીતે આયોજન કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન કૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. લોકમેળાના આગોતરા આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ટીમના અધિકારીઓએ જિલ્લા કલેકટર કેડી. લાખાણી ના માર્ગદર્શન હેઠળ મેળા ગ્રાઉન્ડ ખાતે બેઠકનું આયોજન કર્યું હતું.
પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડીવાયએસપી સુરજીત મહેડુ, આયોજન અધિકારી જે.સી. ઠાકોર, કાર્યપાલક ઇજનેર ચૌધરી, મામલતદાર, ટીડીઓ,પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી, ઉદ્યોગ કેન્દ્રના અધિકારી, સહાયક માહિતી નિયામક સહિત અધિકારીઓની ટીમે મેળા ગ્રાઉન્ડ ખાતે બેઠક યોજી અલગ અલગ વિભાગના અધિકારીઓની કામગીરીના સંકલન અંગે ચર્ચા કરી હતી. આ બેઠકના આયોજન બાદ અધિકારીઓની ટીમે મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલ મેળાના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ, ખાણીપીણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લોકોના આરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ વગેરેની તકેદારી રાખવા બાબતે સૂચનો કરાયા હતા.
ઉપરાંત ઉતર પૂર્વ રાજ્યો માંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા, સ્થાનિક સખી મંડળ બહેનોના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે. આગામી તારીખ 17 થી 21 એપ્રિલ સુધી પાંચ દિવસના માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ અને રુક્મણીના વિવાહ પ્રસંગે રથ નીકળે છે ત્યાં રોડ બનાવવામાં આવ્યો છે, તે રોડનું પણ અધિકારીઓની ટીમને નિરીક્ષણ કર્યું હતું. અહીં વિવાહના આ પ્રસંગ પર કોઈ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા પણ વહીવટી તંત્રના વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. ચાલુ વર્ષના મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના ખાણીપીણીના અને અન્ય આઠ જેટલા સ્ટોલ તેમજ સ્થાનિક અને રાજ્યકક્ષાના મળીને 150 જેટલા સ્ટોલ ઊપરાંત 100 જેટલા સ્ટોલ ઇન્ડેક્સ સી દ્રારા બનાવવામાં આવશે.