શાળા સિવાય ધાર્મીક,સામાજીક, રાષ્ટ્રીય કાર્યોમાં ભાગ લે છે
ખાસ-ખબર સંવાદદાતા
5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વર્ષ 2022 ના માણાવદર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે દક્ષેશ જેન્તીલાલ ભોજાણી અને પ્રિયંકાબેન ભૂત એ સિદ્ધિ હાંસલ કરી છે. જે માણાવદર શિક્ષણ જગત માટે આનંદ અને ગૌરવની બાબત છે.દક્ષેશભાઈ ભોજાણી માણાવદર તાલુકાના કોઠડી પ્રાથમિક શાળામાં અને પ્રિયંકાબેન ભૂત મટીયાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષક દંપતીએ પોતાની શાળાઓમાં શૈક્ષણિક ફરજ ઉપરાંત સામાજીક, ધાર્મિક, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ માટે નવી દિશા આપી છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ નિખરે અને સુંદર પ્રતિભા પાંગરે તેવા અનેક પ્રયત્નો આ શિક્ષક દંપતી હર હંમેશ કરતું રહ્યું છે. ફરજ નિષ્ઠાની સાથે શિક્ષક તરીકેના કાર્યને નૈતિક જવાબદારી સમજીને આ દંપતી તન-મન-ધનથી સખત પરિશ્રમ કરે છે.