મામલતદારની ટીમે પોલીસને સાથે રાખી પશુના વાડા પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી
રવાપર ગામમાં અનેક સ્થળોએ ખડકાયેલા દબાણો તંત્રને કેમ દેખાતા નથી ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકા નજીક આવેલ રવાપર ગ્રામ પંચાયતની જમીનો પર મોટા પાયે દબાણ ખડકી દેવામાં આવ્યા હોવાની લાંબા સમયથી ફરિયાદ ઉઠી રહી છે. રવાપર ઘૂનડા રોડ પર તો મોટા ભાગની જગ્યામાં ગેરકાયદેસર વાડા બનાવી પશુઓને રાખી દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં આ જગ્યા પર પશુઓ રાખવા મુદ્દે ઉગ્ર માથાકૂટ પણ થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો ત્યારે રવાપર ગામના લોકો દ્વારા આ જગ્યા પરથી દબાણ દૂર કરવામાં આવે તેવી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતના પગલે મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી અને આ વિસ્તારમાં રહેલા અલગ અલગ માલઢોર રાખવાના નામે ખડકી દેવામાં આવેલા દબાણ પર જેસીબી ફેરવી ગ્રામ પંચાયતની જગ્યા ખાલી કરાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તટે એ ડિવિઝન પોલીસ, એસઓજી, એલસીબીના સ્ટાફને પણ ખડકી દેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દબાણ કરનાર લોકોને પણ આગામી દિવસોમાં ફરીવાર અહીં દબાણ કરવામાં આવશે તો તેમના વિરોધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વહીવટી તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી હતી તો બીજી તરફ ત્યાં માલઢોર સાચવીને રહેતા માલધારીઓ દ્વારા ગ્રામ પંચાયત પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગ્રામ પંચાયત દ્વારા તેઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની મોટા ભાગની જગ્યા પર દબાણ છે. સરકારી જગ્યા પર શરતો ફેર કરી ગૌચર જમીન પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને બહુમાળી ઇમારત ખડકી દેવામાં આવી હોવાં છતાં તે દબાણ દૂર કરવામાં આવતું નથી પણ માલધારી સમાજે માત્ર પોતાના જીવન નિર્વાહ માટે થોડી જગ્યામાં આ વાડા બનાવ્યા તે નડતર બન્યા હોવાનું જણાવી તેઓને કાઢી રહ્યા છે. માલધારી સમાજ દ્વારા રવાપર ગ્રામ પંચાયત દ્વારા પણ સરકારી ગૌચર જમીનમાં ખડકાયેલ કોમ્પ્લેક્ષ પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.