ગિરનાર અને ઉપલા દાતારના ધર્મસ્થાનોમાં ધસારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદ અને જંગલના રસ્તાનું ધોવાણ થતા યાત્રિકો માટે બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.
પરિક્રમાની સદીઓ જૂની પરંપરા જાળવી રાખવા માટે, સંતો અને અમુક ભાવિકોએ માત્ર પ્રતિકાત્મક પરિક્રમા કરી હતી. આ પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ 2 નવેમ્બરની વહેલી સવારે થયો હતો અને સાંજે પૂર્ણ કરવામાં આવી હતી. પરિક્રમાના ઉદ્ઘાટન પ્રસંગે અમુક સાધુ-સંતો, તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન પણ જંગલમાં માવઠું થતાં રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ હતી. લીલી પરિક્રમા મોકૂફ રહેવાના કારણે મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા, પરંતુ તેઓ ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનારના ધર્મસ્થાનોના દેવ દર્શન કરવા માટે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સાથે જ, ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યામાં પણ મોટી સંખ્યામાં યાત્રિકોએ દાતાર બાપુના દર્શન કર્યા હતા અને પ્રસાદ લીધો હતો. આમ, પરિક્રમા બંધ હોવા છતાં, સોરઠ પંથકના ધર્મસ્થાનોમાં ભક્તોનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો.



