મનપામાં સમાવેલા નવા ગામો સુધી પણ લાઇનો નાંખવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પાણીથી છલોછલ ભરેલો છે તેમ છતાં શહેરની જનતાને આજે પણ ક્યાંક એકાંતરે તો ક્યાંક 4 દિવસે પાણી મળી રહ્યું છે. તે સમસ્યાના હલ માટે મનપાએ રૂ.50 કરોડના ખર્ચે પાણી અને ભૂગર્ભ ગટરની નવેસરથી કામગીરી કેવી રીતે કરવી તેના માટે સરવે કરવાની શરૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
સુરેન્દ્રનગર શહેરમાં પાણીની યોજના માટે કરોડો રૂપિયાના કામો કરવામાં આવેલા છે પરંતુ જૂની ટેકનોલોજીથી નાંખેલી લાઇનો વારંવાર લીક થાય છે. તેના રિપેરીંગ પાછળ પણ મનપાને લાખોનો ખર્ચ કરવો પડે છે. તેમ છતાં લોકોની પાણીની સમસ્યા યથાવત રહે છે. બીજું કે મનપાના હજુ ઘણા છેવાડાના વિસ્તારમાં પણ પાણીની લાઇન નાંખવામાં આવી નથી જેને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શહેરમાં ભૂગર્ભ ગટર ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ ગટરો વારંવાર ચોકઅપ થઇ જવાની મોટી સમસ્યા છે. આ સમસ્યાના હલ માટે કમિશનર નવનાથ ગવહાણેએ સુરેન્દ્રનગર શહેરમાં પાણીની લાઇન લીક થવાના કારણો અને તેના ઉપાય માટે શું કરવું પડે તેના સર્વે માટે એન્જિનિયરની ટીમને કામે લગાવી છે. આ સાથે ભૂગર્ભ ગટર ક્યાં અને કયા કારણોથી લીક થાય છે તેની પણ વિગતો લેવા માટે આદેશ આપ્યો છે. આ બાબતે કમિશનર નવનાથ ગવહાણેએ જણાવ્યું કે એકાદ સપ્તાહમાં ટીમ સર્વે કરીને તમામ વિગતો આપશે ત્યાર બાદ દરખાસ્ત કરીને સરકારમાં મોકલવામાં આવશે. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ ટેન્ડર સહિતની કાર્યવાહી થશે. અહીંયા મહત્વની બાબત એ છે કે મનપામાં જે નવા ગામોનો ઉમેરો કરવામાં આવ્યો છે તે ગામોમાં પણ સર્વે થશે અને તે ગામોમાં પણ પાણીની લાઇનો નાંખીને પાણી પહોંચાડવાનું આયોજન છે.