પંજાબના તરનતારનમાં હચમચાવી દેનારી ઘટના બની છે. તરનતારનની લૉ કોલેજમાં સોમવારે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપીએ પોતાને પણ એ જ બંદૂકથી ગોળી મારી. બંનેના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. આ ઘટના બાદ કોલેજ પરિસરમાં હડકંપ મચી ગયો અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયો છે.
મૃતકની ઓળખ
- Advertisement -
મૃતક વિદ્યાર્થિનીની ઓળખ સંદીપ કૌર (20 વર્ષ) તરીકે થઈ છે, જે નૌશહરા પન્નુઆની રહેવાસી હતી. જ્યારે હુમલાખોર વિદ્યાર્થીની ઓળખ પ્રિન્સ રાજ તરીકે થઈ છે, જે મલિયાં ગામનો રહેવાસી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ અનુસાર, પ્રિન્સ રાજ ક્લાસરૂમમાં આવે છે અને ત્યાં બેઠેલી સંદીપ કૌરને માથામાં ખુબ જ નજીકથી ગોળી મારી દે છે. તેના તરત જ બાદ તે ફરી પિસ્તોલ લોડ કરે છે અને પોતાના માથામાં ગોળી મારીને ઢળી પડે છે. ફાયરિંગ એટલું સચોટ હતું કે બંનેના ઘટનાસ્થળે મોત થઈ ગયા.
DSP જગબીર સિંહે જણાવ્યું કે, ક્લાસ શરૂ થતા જ આ ઘટના બની. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ શરૂ કરી દીધી છે.
- Advertisement -
સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે એક વિદ્યાર્થી કોલેજમાં પિસ્તોલ લઈને કેવી રીતે દાખલ થયો? શું ગેટ પર કોઈ ચેકિંગ નહોતી?
જોકે, પોલીસ એ તપાસ કરી રહી છે કે પ્રિન્સ રાજે આવું પગલું કેમ ભર્યું? શું આ કેસ એક તરફી પ્રેમનો હતો કે એકબીજા વચ્ચે ઝઘડો હતો? પોલીસે હાલ પરિવારજનો અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે. પરિવારે દોષિતો વિરૂદ્ધ આકરી કાર્યવાહીની માગ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે ઘટના બાદ કોલેજ સંચાલકો ફરાર છે, જેનાથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે.




