લોકોને હવે સિંગલ ક્લિકથી જમીન, મકાન દસ્તાવેજોની નકલ મળશે
રાજ્યની મહેસૂલી કચેરીઓના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન થયું: ડેટા સ્ટોરેજ સેન્ટરનું બાંધકામ ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
ગાંધીનગરમાં વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે. તેમણે જણાવ્યું કે 7/12ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
વધુમાં, જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે ગાંધીનગરના સેકટર-14માં રાજ્ય કક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરમાં જાળવણી માટે કોમ્પેકટરની સુવિધાવાળા વિશાળ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ/ટ્રેનિંગ રૂમ અને મ્યુઝિયમ સહિતનું કુલ-7 માળનું 2,44,725 ચોરસ ફૂટનું બાંધકામ કરાશે. આ બાંધકામ ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. વર્ષ-1888 વખતના અંગ્રેજ સરકાર દ્વારા થયેલા માપણી ટિપ્પણનું રેકર્ડ, સદરહુ ડેટા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવશે. મહેસૂલ વિભાગની વિવિધ યોજના થકી જમીન રેકર્ડના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માનવસર્જિત અથવા કુદરતી આફતોના કારણોસર જિલ્લાઓના રેકર્ડને નુકશાન પહોંચે કે રેકર્ડ નાશ પામે, તો તેની એક કોપી ડેટા સ્ટોરેજ સેન્ટર ખાતેથી મળી શકે, તે હેતુથી આ અદ્યતન ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.