પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રેમ હોય તેના માટે દિલમાં આદર ઓટોમેટિક જન્મે જ
- Advertisement -
પ્રસ્થાન:
પ્રેમ એ ઊંડા અર્થોમાં મૃત્યુ જ છે.
– ઓશો
આજે વાત કરવી છે એક અદ્ભુત ગીતની કે જે એક ઇકવલી અદભૂત ફિલ્મમાં છે. તમિલ ફિલ્મોના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમે ક્યાંક વાચ્યું કે અરબી સાહિત્યમાં પ્રેમના સાત તબક્કા દર્શાવેલ છે. પછી તેઓએ આના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને દિલ થી બનાવી ’દિલ સે’. આ ફિલ્મમાં એક ગીત તેની મૂળ થીમ એટલે કે પ્રેમના સાત તબક્કા પર આધારિત રાખ્યું. તે ગીત એટલે સતરંગી રે… હવે પ્રેમના તબક્કા વારાફરથી જોઈએ તો….
આકર્ષણ:
નિર્દેશક ગીતને બનાવવામાં ઘણું ઝીણું ઝીણું કાંત્યુ છે. હવે ગીતની શરૂઆત જુઓ તેમાં મનીષાએ કાળા કપડાં પહેરેલાં છે અને એ જ રંગના કપડાં પહેર્યા છે શાહરૂખે. આકર્ષણનો શરૂઆત એટલે સામેવાળાનો પાશ લાગવો. બીજી એક મસ્ત વાત એ છે કે આ કડી દરમિયાન શાહરૂખ મનીષાથી થોડો દૂર ઊભો હોય. આકર્ષણ તો દૂરથી થાય ને! આ કડીના અંતમાં ગીતકારે હિન્ટ આપી દીધી કે એકવાર આકર્ષણ રૂપી તણખો ઝરે પછી આગ જ લાગે અને ત્યાંથી શરૂ થાય પ્રેમનો બીજો તબક્કો.
- Advertisement -
મોહ:
મોટાભાગે આકર્ષણ અને મોહ એકસરખા જ લાગે પણ બંને ભિન્ન છે. આકર્ષણ એ ક્ષણિક આવેગ છે જ્યારે મોહ એ સતત રહેતી અવસ્થા છે. કાતિલ આંખો જ્યારે દિલ પર ઝખમ કરે ત્યારે એ આકર્ષણ છે અને એ ઘાથી વારંવાર ઉઠતી પીડા એ જ મોહ છે. અહી ગુલઝાર સોનુના અવાજ દ્વારા ચિલ્લાઈ ચિલ્લાઈને કહે જ છે કે હલકા હલકા ઉન્સ હુઆ. અરબી ભાષામાં લગાવ અથવા મોહને જ કહેવાય છે ઉન્સ.
પ્રેમ:
પ્રેમના તબક્કાઓમાં પ્રેમ એ આખરી ન હોય? ના, આ તો હજી ત્રીજું સ્ટેજ છે.
મોહ જ્યારે શરીરથી પ્રવેશીને મન સુધી પહોંચે ત્યારે બની જાય પ્રેમ. પછી તે સનમને પામવાની ઝંખના જ જીવનનો મકસદ બની જાય. સિંબોલાઇઝેશન કેવું મસ્ત છે કે આ કડી દરમિયાન મનીષાએ ગુલાબી રંગના વસ્ત્રો પહેર્યા હોય છે.
આદર:
કોઈના પ્રત્યે આદર હોવાનું સબૂત શું? એ કે તેની હાજરી આપણને બહુ ઈન્ફ્લ્યુએન્સ કરે. આપણને મંત્રમુગ્ધ કરી
દે. ગુરુની સમક્ષ શિષ્ય મૂક ઉભો હોય કે ક્લાસમાં ટીચર આવે ત્યારે વિદ્યાર્થીઓમાં સોપો પડી જાય એ હોય, જેના પ્રત્યે આદરભાવ હોય તેના આગમનથી માણસ મંત્રમુગ્ધ તો થાય જ. અહી ઘણા દલીલ કરે કે શિક્ષક પ્રત્યેનો આદર તો કૃત્રિમ હોય શકે અથવા જ્યાં આદર હોય ત્યાં પ્રેમ ન હોય. પણ, જો ઊંડું વિચારશો તો માલૂમ પડશે કે જેના પ્રત્યે ખરેખર પ્રેમ હોય તેના માટે દિલમાં આદર ઓટોમેટિકલી જન્મે જ. સાવ થર્ડ ક્લાસ લુખ્ખો પણ પ્રેમિકા પ્રત્યે થોડીઘણી ભીનાશ બતાવે જ.
ભક્તિ:
સિંબોલાઈઝેશન વિશે વાત કરીએ તો કડી દરમિયાન બંને પાત્રો એક ધાર્મિક સ્થળની અંદર બતાવવામાં આવે છે અને તે સમયે મનીષાએ લીલા કપડા પહેરેલા હોય છે કે જે અરબ પ્રદેશના મુખ્ય ધર્મ એવા ઇસ્લામમાં પવિત્ર ગણાય છે.
મીરાબાઈ, નરસિંહ મહેતા જેવા પ્રખ્યાત ઉદાહરણો છે જ એટલે વધુ કહેવાની જરૂર નથી પણ અહી ભક્તિના જે લક્ષણો મભમમાં કહી દીધા છે એ જોરદાર છે. સરગોશી એટલે ગણગણાટ. જાહેરમાં બરાડા પાડવા પડે કે લાઉડસ્પીકરમાં બાંગો પોકારવી પડે એ ભક્તિ નથી. ભક્તિ એ તો ભક્ત અને ભગવાન અથવા કહો કે મનભાવન સાથે સટલી થતી વાત છે. ભક્તિમાં સામેવાળાને સજદા એટલે કે નમન થઈ જ જાય છે. જ્યાં અહમ્ નમે ત્યાં જ સનમ હોય. પછી એ અવસ્થા સુધની હોય કે બેસુધની. હવે મનની મોહિની એવી પ્રિયા જો સજાગ અને સંવેદનશીલ હોય અને પ્રેમનો પ્રત્યુત્તર પ્રેમથી આપે તો આ જ સ્ટેજ જીવનપર્યંત ચાલતું રહે પણ એ મહેબૂબા વારંવાર દૂર જ ભાગતી રહે તો મિલ જાયે તો મિટ્ટી હૈ ઔર ખો જાયે તો સોના હૈ ના ન્યાયે તેને પામવાની તડપ વધુ ગંભીર તબક્કામાં પ્રવેશે છે.
જનૂન:
મોહબ્બતમાં સતત મહેબૂબ દૂરને દૂર જ જાતો રહે ત્યારે તેને પામવાનું જનૂન જાગે છે. હવે તેને પામવાની ઝંખના જ જીવનમાં સર્વસ્વ બની રહે છે. આ કડી પહેલાના સંગીત દરમિયાન નાયક અને નાયિકા પાણીમાં ડૂબેલા બતાવાયા છે કે સ્પષ્ટ રીતે નિર્દેશ કરે છે કે નાયક હવે સાવ પ્રિયતમાની અંદર ડૂબી ગયો છે. વિરોધાભાસી પણ વેધક વાત અહી ગુલઝારે એ લખી છે કે જનૂન છે પણ તેમાં જ નાયકને શાતા એટલે કે સુકુન મળે છે. કોઈ બંધાણીને નશાની હાલતમાં જ મોજ આવે તેમ.
મૃત્યુ:
માણસ સતત પ્રેમમાં ન હોય શકે, હા એમાં હોવાનો દેખાવ કરી શકે. પ્રેમ છે તો તેમાંથી નફરત, અલગાવ ઉદ્ભવવાના પણ ચાંસીસ છે. એવામાં પ્રેમનો એ એન્ટીકલાઈમેક્સ ન આવવા દેવો હોય અને તેને તેના સર્વોત્તમ સ્વરૂપમાં જ સ્થિર કરી દેવો હોય તો? મૃત્યુ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. યાદ છે ને સ્પોર્ટ્સમાં ઘણા એક્સપર્ટ કહેતા હોય કે કોઈ ખેલાડી જ્યારે પોતાની કરિયરની સેચ્યુરેશન પર હોય ત્યારે જ તેણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ! આ તેના જેવું જ કંઇક. બીજું એક અર્થઘટન એમ પણ થાય કે જો કોઈ વ્યક્તિના પ્રેમમાં ગહેરાઈથી ડૂબી જઈને પોતાની જાતને તેનામાં ઓગાળી દેવી એ જ પ્રેમ છે તો પ્રેમ એ મૃત્યુ જ છે કારણ કે મૃત્યુ પણ આ જ કરે છે. હવે તમે આ ગીતમાં બધા પ્રતીકો જુઓ. આ કડી દરમિયાન બંને પાત્રોએ સફેદ વસ્ત્રો ધારણ કર્યાં છે, જે શું સૂચવે છે? હા, સમજી ગયા ને! શાહરૂખ અને મનીષાના કપડા એકસરખા રંગના છે જે દર્શાવે છે કે ફાઈનલી બને એકાકાર થઈ ગયા છે. પેલા ચવાઈ ગયેલા શબ્દો વાપરીને કહું તો દો જીસ્મ એક જાન. તેના સિવાય, તે સમયે તે બેય એક બર્ફીલી જગ્યા પર હોય છે. જુઓ નિર્દેશકે કેટલું બારીક ધ્યાન રાખ્યું છે. મૃત્યુ પછીની દુનિયા કેવી હોય બિલકુલ ઠંડી. સૌથી જોરદાર અને આખા ગીતનું પિક તો અહી આવેલા એ શોટમાં છે કે જેનો ફોટો આ લેખ સાથે બિડેલો છે. બોલીવુડના સૌથી અનકનવેન્શનલ અને અવિસ્મરણીય એવા દૃશ્યોમાંથી એક એવો આ શોટ જુઓ. જનરલી એ મુદ્રામાં નાયક નાયિકાના સ્થાન પરસ્પર બદલાયેલા હોય પણ અહી તો બોસ જે કમાલ કરી છે. આખા ગીતમાં એક વાત એ પણ છે કે નાયિકા કોઈ લાઈન ગાતી નથી બલ્કે તેના બદલે સંગીતકારે ગાયિકા પાસે માટે કરુણ આલાપ જ ગવડાવ્યો છે. અને આ નાયિકાની મનોસ્થિતિનું આબેહૂબ ચિત્રણ છે. તેની અંદરની વેદના હવે સાવ એટલી રૂંધાઇ ગઈ છે કે તેના અંતરના કોઈ અંધારા ખૂણામાં જ એ ડૂમો બાઝીને રહેશે તેના છેલ્લા શ્વાસ સુધી. નાયિકા એ કરુણ સ્વર દ્વારા નાયકને જાણે ચેતવે છે કે હું તારો નાશ કરી નાંખીશ, મારી સમીપ ન આવ પણ નાયક ક્યાં સાંભળે છે? કારણ કે…
શમા કહે પરવાને સે પરે ચલા જા
મેરી તરહ જલ જાયેગા યહાં નહી આ
વો નહી સુનતા ઉસકો જલ જાના હોત હૈ
હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હૈ
ગીતની માહિતી:
નિર્દેશક: મણિરત્નમ
સંગીત: એ. આર. રહેમાન
શબ્દો: ગુલઝાર
કંઠ: સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિ
સિનેમાટોગ્રાફી: સંતોષ સિવન
કોરિયોગ્રાફી: ફરાહ ખાન
ગાયકી, શબ્દો, સંગીત, સિનેમાટોગ્રાફી, ડાન્સ, સ્થળોની પસંદગી તેમજ અભિનય – આ બધા તત્વોનો પરફેક્ટ સંગમ આ ગીતમાં થયો છે એટલે આ ગીત બોલીવુડના સર્વાંગ સંપૂર્ણ ગીતોમાંથી એક છે.
પૂર્ણાહુતિ:
ઈશરત એ કતરા હૈ દરિયા મેં ફના હો જાના,
દર્દ કા હદ સે ગુઝરના હૈ દવા હો જાના.
(ઈશરત – સૌભાગ્ય) – મિર્ઝા ગાલિબ