કથામૃત: એક કોલેજિયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યું, અંકલ, આપ ક્યારે ફ્રી હશો ? મારે આપને મળવું છે. એ ભાઈએ કહ્યું, બેટા, હું હમણા થોડો વ્યસ્ત છું પણ તારા માટે હું ગમેતેમ કરીને સમય કાઢીશ. મને એ તો કહે કે તારે મને શા માટે મળવું છે? છોકરાએ કહ્યું, અંકલ, મારે આપને મારી એક અંગત સમસ્યાના સમાધાન માટે મળવું છે. છોકરાના અવાજ પરથી એવું લાગ્યું કે, પ્રશ્ન ગંભીર છે એટલે એ ભાઈએ છોકરાને સાંજે જ એમની ઓફિસે મળવા માટે બોલાવી લીધો. છોકરો સાંજે એના અંકલની ઓફિસ પર પહોંચ્યો. છોકરાએ અંકલની સમક્ષ એમની સમસ્યા રજૂ કરતા કહ્યું, અંકલ તમે પપ્પાને આ વાત ન કરતા. હમણા થોડા દિવસ પહેલા એક મિત્રના જન્મદિવસની પાર્ટી હતી. પાર્ટીમાં બિયર અને સિગારેટ પણ હતી. મેં મનાઇ કરી પણ મિત્રોના આગ્રહને કારણે હું મારી જાતને રોકી ન શક્યો અને મારાથી બિયર તથા સિગારેટ લેવાઇ ગઈ. મને આ બાબતનો ખૂબ પસ્તાવો છે. જીવનમાં આવી ભૂલ બીજી વખત નહીં જ કરું એવું નક્કી પણ કર્યું છે. મારી આ ભૂલને કારણે મને સતત ડર લાગ્યા કરે છે. શું કરવું તે સમજાતું નથી. અંકલ પોતાની ખુરશી પરથી ઊભા થઈને છોકરા પાસે ગયા. એના માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું, બેટા, તને તારી ભૂલ સમજાઇ એ જ મોટી વાત છે. આ વાતને હવે ભૂલી જવાની અને ભવિષ્યમાં આ ભૂલનું પુનરાવર્તન ન થાય એની તકેદારી રાખવાની. તારી જગ્યાએ હું હોત તો કદાચ મારાથી પણ આ ભૂલ થઈ શકે. છોકરાને અંકલની વાતોથી ખૂબ સારું લાગ્યું. એ ભાઈ ઓફિસ પરથી ઘેર આવ્યા. એક યુવાનના પ્રશ્નનું સમાધાન કરી આપ્યું એનો આનંદ હતો. રાત્રી ભોજન લીધા બાદ ટીવી સીરિયલ જોતા હતા ત્યારે એના યુવાન દીકરાએ પપ્પાનો સારો મૂડ જોઇને કહ્યું, પપ્પા, કેટલાય દિવસથી એક વાત આપને કહેવી હતી પણ હિંમત નહોતી ચાલતી. મને માફ કરજો પપ્પા, પણ મારાથી એક મિત્રની બર્થડે પાર્ટીમાં બિયર અને સિગારેટ લેવાઇ ગઈ છે. છોકરાના પિતા સફાળા ઊભા થઈ ગયા અને ન બોલવાનું ઘણું બધું બોલી ગયા.
બોધામૃત: બીજાના સંતાનોએ કરેલી ભૂલો બદલ એને સમજાવી શકાય અને એની ભૂલોને સ્વીકારી શકાય; તો પછી ખુદના સંતાન માટે આવું કેમ નથી થઈ શકતું ? સંતાનોની ભૂલોને સ્વીકારતા થઈશું તો એ ભૂલો છૂપાવતા બંધ થશે.
- Advertisement -
અનુભવામૃત: આપણે કદાચ આપણા બાળકોના ભવિષ્યનું ઘડતર ન કરી શકીએ પણ ભવિષ્ય માટે આપણા બાળકોનું ઘડતર ચોક્કસ કરી શકીએ.
-ફ્રેંકલિન ડી. રુઝવેલ્ટ