વિજયભાઇ અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવતાં મૌલેશભાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આ વિમાન દુર્ઘટના ખરેખર હચમચાવી નાંખે તેવી છે. લગભગ પોણા ત્રણસો હતભાગીઓની તે સમયની પીડા આપણી કલ્પનાથી પર છે. એમનાં પરિવારજનો પર જે આફત આવી છે તેને પણ આપણે કલ્પી શકીએ તેમ નથી. અકસ્માતમાં જેમણે પ્રાણ ગુમાવ્યા છે એ તમામના મોક્ષ અર્થે પ્રાર્થના કરું છું. વિજયભાઈની વિદાય પણ અણધારી તો છે જ- અસહ્ય પણ છે. તેમની સાથે બહુ જૂનો નાતો. વિવિધ કાર્યક્રમોમાં પણ અવારનવાર મળવાનું બનતું અને અંગત રીતે તથા પારિવારિક રીતે પણ મળવાનું બનતું. એમનો શાંત, સાલસ અને મળતાવડો સ્વભાવ એ તેમની વિશિષ્ટતા. મેં એમને સ્થાનિક નેતા તરીકે પણ જોયા છે અને મુખ્યમંત્રી તરીકે. બેઉ ભૂમિકાઓ દરમિયાન તેઓ ખરેખર કોમનમેનની જેમ જ રહ્યાં. તેમણે ખુરશીને ક્યારેય માથા પર ચડવા દેવી નહીં. ક્યારેય તેમણે સત્તાને શિર પર સવાર થવા દીધી નહીં. આજીવન તેઓ કોમનમેન રહ્યાં. સામાન્ય લોકોની પહોંચની બહાર તેઓ ક્યારેય નહોતાં. સાવ સામાન્ય માનવીથી માંડીને ઉદ્યોગપતિ સુધીનાં લોકો તેમને સરળતાથી મળી શકતાં હતાં. તેઓ બધાંને નિરાંતે સાંભળતા. મને તેમનો આ ગુણ બહુ ગમતો. તેઓ એક ઉત્તમ શ્રોતા હતાં.
નાની-મોટી સમસ્યાઓ લઈને જે પણ લોકો તેમની પાસે જતાં તેમને તેઓ બહુ શાંતિપૂર્વક સાંભળતા અને તેનો ઉકેલ લાવવા શક્ય હોય તેવાં તમામ પ્રયત્નો કરતાં. મુખ્યમંત્રી બન્યાં પછી તેમણે રાજકોટ-સૌરાષ્ટ્રને ખૂબ-ખૂબ આપ્યું. ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ તથા અમૂલનો પ્લાન્ટ રાજકોટમાં લાવવા તેમણે કરેલાં પ્રયત્નો રંગ લાવ્યા હતાં. રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વે અને રાજકોટ-મોરબી ફોર લેન હાઈ-વે તેમનાં જ પ્રયત્નોને કારણે સાકાર થયાં. રાજકોટને અટલ સરોવર તથા નવું રેસકોર્સ મળ્યું. આવા તો અગણિત કાર્યો તેમણે કર્યાં. ભાજપનાં મિત્રો મને ઘણી વખત કહેતાં કે, કાર્યકરોને તેઓ નામજોગ ઓળખતાં. રાજકારણ મારો વિષય નથી પરંતુ એટલું કહી શકું કે, તેમનાં જેવાં ઉત્તમ માનવી, સંવેદનાપૂર્ણ અભિગમ ધરાવતાં નેતા મેં ભાગ્યે જ બીજાં જોયા હશે. ઈશ્વર એમનાં પવિત્ર આત્માને મોક્ષ આપે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના.