ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરને પાણીના પ્રવાહમાં તાણીને લઈ જનારા મચ્છુ જળ હોનારતને ગુરુવારે 43 વર્ષ પુરા થયા છે ત્યારે આ જળપ્રલયની વરસી નિમિતે મોરબી પાલિકા કચેરીથી મણિમંદિર સુધી 21 સાયરન વગાડી મૌન રેલી કાઢીને મણીમંદિર ખાતે આવેલા હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે પહોંચીને રાજ્યમંત્રી, સાંસદ, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ શહેરીજનોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. દર વર્ષે મચ્છુ હોનારતની વરસી આવે ત્યારે મોરબીવાસીઓ દ્વારા અચૂકપણે દિવગંતોને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવે છે ત્યારે દર વર્ષેની જેમ ગુરુવારે પણ મચ્છુ પ્રલયની 43 મી વરસીએ હોનારત બન્યાના સમયે પાલિકા દ્વારા 21 સાયરન વગાડવામાં આવ્યા હતા અને પ્રથમ સાયરન શરૂ થતાં મોરબી નગરપાલિકા કચેરીએથી મૌન રેલી પ્રસ્થાન થઈ હતી. આ મૌન રેલીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, આરએસએસ અગ્રણી જ્યંતિભાઈ ભાડેસિયા સહીત અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા.
હોનારતના દિવંગતોને સલામી આપવા માટે 21 સાયરન પુરા થાય તે પહેલાં આ મૌન રેલી મણીમંદિર ખાતે પહોંચીને હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુષ્પાજંલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી જો કે પૂર્ણ અસરગ્રસ્તોને પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે નજર સામે મચ્છુના પુરની ભયાનકતાની યાદ તાજી થતા તમામની આંખો ભીની થઈ ગઈ હતી તો બીજી તરફ સમગ્ર મોરબીવાસીઓએ સાયરન વાગતાની સાથે જે સ્થળે હોય ત્યાં ઉભા રહી બે મિનિટ મૌન પાળીને હોનારતના દિવંગતોને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી.