સરકારે નિકાસ પ્રતિબંધ દૂર કરતા જ ડુંગળીના ભાવ ઉછળ્યા
ડિસેમ્બર માસથી નિકાસ પ્રતિબંધના કારણે દબાઇ ગયેલા ડુંગળીના ભાવ વધવા લાગ્યા
- Advertisement -
ગત વર્ષ અનિયમિત ચોમાસાના કારણે રવિ ઉત્પાદનમાં પણ 30% જેવો ઘટાડો
ચૂંટણી સમયે જ ડુંગળીના ભાવ સરકાર માટે સમસ્યા બની શકે
ખાસ-ખબર સંવાદદાતા
પંજાબ સહિતના ઉતર ભારતના રાજયોમાં ખેડુત આંદોલન હવે નવો વળાંક લે તેવા સંકેત છે. તે સમયે જ સરકારે એક ઓચિંતા નિર્ણયમાં ડુંગળીની નિકાસબંધી દુર કરતા જ જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતા આ કૃષિ ઉત્પાદનના ભાવ રોકેટ ગતિએ વધશે તેવા સંકેત છે. દેશમાં આગામી મહિનાથી ચૂંટણીનું પૂર્ણ વાતાવરણ બની જશે તે સમયે ડુંગળીના ભાવ મોટી સમસ્યા કરી શકે છે. હવે ડુંગળીનો નવો પાક આગામી ખરીફ મૌસમ બાદ જ આવશે અને તે સમયે વરસાદ સહિતની પરિસ્થિતિના આધારે ડુંગળીના ભાવ નિશ્ચિત થશે પરંતુ આગામી મહિનેથી રમઝાન સહિતના તહેવારો આવી રહ્યા છે અને રવી પાકમાં જે 30 ટકા જેટલો ઘટાડો 2023ના અનિયમિત ચોમાસાના કારણે થયો તે પણ હવે મહત્વની અસર કરશે. સરકારે તે ફેકટર ધ્યાનમાં રાખીને 31 માર્ચ 2024 સુધી લાદી હતી પરંતુ ઓચિંતા આ નિર્ણય ફેરવ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના રાજયોમાં જયાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે તે અનિયમિત ચોમાસાએ અગાઉ જ સમસ્યા ઉભી કરી હતી જે હવે વકરે તેવી ધારણા છે. સરકારે ડુંગળીનો નિકાસ પ્રતિબંધ ઉઠાવતા જ મહારાષ્ટ્રના જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં એક જ દિવસમાં 40 ટકા જેવો વધારો નોંધાયો હતો. જોકે હજુ સરકારના નોટીફીકેશનની અંદર કોઇ રાહત મળી શકે છે. લાસનગાંવ કે દેશનું ડુંગળીનું સૌથી મોટુ જથ્થાબંધ માર્કેટ ગણાય છે ત્યાં શનિવારે ડુંગળીનો પ્રતિ કવીન્ટલ ભાવ રૂા. 1280 હતો તે વધીને સોમવારે રૂા.1800 નોંધાઇ ગયો હતો. અને એક તબકકે 2100 સુધી પહોંચી ગયો હતો.
ડુંગળીના નિકાસ પ્રતિબંધ ઉઠતા જ વિદેશના સોદાઓ પણ શરૂ થઇ ગયા છે. જોકે નિષ્ણાંતો કહે છે કે ગત વર્ષે 7 ડિસેમ્બરે સરકારે ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ અમલી બનાવતા જ ભાવ જે રૂા. 3950 પ્રતિ કવીન્ટલની સપાટી પહોંચી ગયા હતા તે તુટીને રૂા. 1280 જેટલા નીચા આવ્યા હતા અને ખેડુતો કે જેને સરેરાશ રૂા. 1800થી 2000 સુધીનો પડતર ભાવ હોય છે. તેવો ખોટ ખાઇને પણ ડુંગળી વેચી રહ્યા હતા. ફકત ડુંગળી જ નહીં અનિયમિત ચોમાસાના કારણે તુવેરના ઉત્પાદનમાં 13 ટકા જેવો ઘટાડો નોંધાયો છે અને હવે નિકાસના સોદા થવા લાગતા ડુંગળીના ભાવ જે છુટક બજારમાં 35 થી 40 ચાલી રહ્યા છે તે 60 સુધી તાત્કાલીક પહોંચી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ નિકાસ પ્રતિબંધ હોવા છતાં ટમેટા અને દ્રાક્ષના ઓઠા હેઠળ વ્યાપકપણે ડુંગળીની નિકાસ થઇ છે અને સરકારે હજુ 3 લાખ ટન નિકાસ છુટ આપી છે. અને જો તે મર્યાદામાં નિકાસ નહીં થાય તો કદાચ ભાવ અત્યંત ઉંચા થઇ શકે છે. વિશ્વમાં નવી ડુંગળી માટે ભારત એક માત્ર દેશ સપ્લાય કરી શકે તેમ છે અને આંતરરાષ્ટ્રીય રેન્જમાં 1000થી 1400 ડોલર પ્રતિ ટનના ભાવ સામે ભારતીય ડુંગળી 350 ડોલરના ભાવે ઉપલબ્ધ છે. જેથી ભારતની ડુંગળીની માંગ રહેશે.