ડ્રોનમાં વિસ્ફોટક કે વાંધાજનક ચીજો ન મળી : વડાપ્રધાનની સુરક્ષા ટીમ દ્વારા પણ પુછપરછ
અમદાવાદના ત્રણ યુવકો ફોટોગ્રાફીના અભ્યાસ માટે ડ્રોન ઉડાડતા હતા
- Advertisement -
પોલીસના નજરમાં ડ્રોન આવી જતા નીચે ઉતરાવી ચકાસાયું
ખાસ-ખબર સંવાદદાતા
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદના બાવળામાં યોજાયેલી સભા સમયે ઓચિંતા જ સભા સ્થળ પર એક ડ્રોન નજરે ચડતા જ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને આ ડ્રોન ઉડાડતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાત સમયે આસપાસના વિસ્તારોમાં બે કિલોમીટરનો વિસ્તાર નો-ફલાય ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
ગઇકાલે સાંજે 4-30 કલાકે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક જવાનના નજરમાં સભા સ્થળ પર એક માઈક્રો ડ્રોન ઉડતું હોવાનું નજરે ચડતા જ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને સભા ગ્રાઉન્ડની નજીક જ મેઇન રોડ પરથી ત્રણ યુવકો આ ડ્રોન ઉડાડી રહ્યા હોવાનું જાહેર થયું હતું. તૂર્ત જ અહીં ધસી આવેલ પોલીસ ટુકડીએ તૂર્ત જ ડ્રોન હવામાંથી નીચે ઉતરાવી લીધું હતું અને સુરક્ષા ટીમે તૂર્ત જ ડ્રોનની ચકાસણી કરી હતી પરંતુ તેમાં કોઇ વિસ્ફોટક કે અન્ય કોઇ હાનિકારક પદાર્થો મળી આવ્યા ન હતા.
- Advertisement -
પોલીસ ટીમે જાહેર કર્યું હતું કે આ ડ્રોન ફક્ત ફિલ્મ ઉતારવા માટેનું હતું અને તે વીડિયો કેમેરા સિવાય અન્ય કોઇ ડીવાઈસ ધરાવતુ ન હતું. તમજ કોઇ પ્રતિબંધાત્મક વસ્તુઓ પણ ડ્રોનમાંથી મળી આવી ન હતી. આ તમામ ત્રણ લોકો સભાથી થોડેક દૂર આ ડ્રોન ઉડાડી રહ્યા હતા. તેમની પુછપરછમાં તમામે સ્વીકાર્યું કે તેઓ સામાન્ય ફોટોગ્રાફી માટે આ ડ્રોન ઉડાડી રહ્યા હતા તેઓને ખ્યાલ ન હતો કે આ પ્રતિબંધાત્મક વિસ્તાર છે.
પોલીસે આ ત્રણેય લોકો કે જેના નામ નિપુલ રમેશભાઈ પરમાર (અમદાવાદ), રાકેશ કાળુભાઈ ભરવાડ (અમદાવાદ) અને રાજેશકુમાર પ્રજાપતિ (અમદાવાદ)ની હાલ ધરપકડ કરી છે અને તેમની સામે ભારતીય ફોજદારાની કલમ 188 મુજબ પ્રતિબંધાત્મક વિસ્તારમાં ડ્રોન ઉડાડવા અંગેનો કેસ દાખલ કરાવ્યો છે. આ તમામ ત્રણનો કોઇ ગુનાહીત ભુતકાળ ન હતો કે તેઓ કોઇ પાર્ટી કે સંગઠન સાથે સંકળાયેલા નથી.