પ્રચાર ખતમ, લાઉડસ્પીકરો પોઢી ગયા
લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકની ચૂંટણી-પેટા ચૂંટણી માટે કાલે યોજાશે મતદાન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીગનર, તા.6
- Advertisement -
ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આવતીકાલે એટલે કે 7મી મેના રોજ સવારના 7થી સાંજના 5 વાગ્યા સુધી ગુજરાતમાં સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર ચૂંટણી યોજાશે.
ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત તમામ ઉમેદવારો દ્વારા રાજ્યની તમામ બેઠકો ઉપર ભરપૂર ચૂંટણી પ્રચાર કરાયો હતો. ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 8થી વધુ સભા ગજવી હતી તો કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ, નાણામંત્રી નિર્મલા સીતારમન સહિતના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોએ જુદા જુદા વિસ્તારોમાં કાર્યકર સંમેલન અને સભાઓ સંબોધી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પાટણ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વલસાડ અને બનાસકાંઠા બેઠક માટે વિશાળ રેલીઓને સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ અશોક ગેહલોત પણ ગુજરાતમાં સભાઓ સંબોધી ગયા છે.
હવે ગઈકાલે સાંજના 6 વાગે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ પહેલા શનિવારે અને રવિવારે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ રાજ્યભરમાં છેલ્લી ઘડી સુધી મતદારોને આકર્ષવા માટે રોડ-શો, બાઈક રેલી, જાહેર સભા અને જ્ઞાતિ-જાતિના સંમેલનો યોજીને ભરપૂર પ્રચાર કર્યો હતો. હવે રાજ્યભરના ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને નાનીનાની બેઠકો કરીને એડીચોટીનું જોર લગાવતા જોવા મળ્યા છે. રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો માટે ખરી કામગીરી શરૂઆત થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મતદાન અગાઉ આજની રાત કતલની રાત ગણાશે. દરેક મત-વિસ્તાર અલગ અલગ જાતિ-જ્ઞાતિના લોકોથી બને છે ત્યારે કોઈપણ ચૂંટણી આ તમામ જાતિ-જ્ઞાતિના સમીકરણોને આધારે જ ચૂંટણી જીતાતી કે લીડ વધતી-ઘટતી હોય છે.
- Advertisement -
લોકસભા ચૂંટણી 2024 ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને AAPના ઉમેદવારો
- કચ્છ: વિનોદ ચાવડા-નીતિશ લાલન
- બનાસકાંઠા: રેખાબેન ચૌધરી-ગેનીબેન ઠાકોર
- પાટણ: ભરતસિંહ ડાભી-ચંદનજી ઠાકોર
- મહેસાણા: હરિભાઇ પટેલ-રામજી ઠાકોર
- સાબરકાંઠા: શોભનાબેન બારૈયા-તુષાર ચૌધરી
- ગાંધીનગર: અમિતભાઇ શાહ-સોનલબેન પટેલ
- અમદાવાદ(પૂર્વ): હસમુખ પટેલ-હિંમતસિંહ પટેલ
- અમદાવાદ (પશ્વિમ): દિનેશ મકવાણા- ભરત મકવાણા
- સુરેન્દ્રનગર: ચંદુભાઇ શિહોરા-ઋત્વિક મકવાણા
- રાજકોટ: પરશોત્તમ રૂપાલા-પરેશ ધાનાણી
- પોરબંદર: મનસુખ માંડવિયા-લલિત વસોયા
- જામનગર: પૂનમબેન માડમ-જે.પી.મારવિયા
- જુનાગઢ: રાજેશ ચુડાસમા-હીરાભાઇ જોટવા
- અમરેલી: ભરતભાઇ સુતરિયા-જેનીબેન ઠુમ્મર
- ભાવનગર: નિમુબેન બાંભણિયા-ઉમેશ મકવાણા (આપ)
- આણંદ: મિતેશ પટેલ-અમિત ચાવડા
- ખેડા: દેવુસિંહ ચૌહાણ-કાળુસિંહ ડાભી
- પંચમહાલ: રાજપાલસિંહ જાદવ-ગુલાબસિંહ ચૌહાણ
- દાહોદ: જશવંતસિંહ ભાભોર-પ્રભાબેન તાવિયાડ
- વડોદરા: હેમાંગ જોશી-જશપાલસિંહ પઢિયાર
- છોટા ઉદેપુર: જશુભાઇ રાઠવા-સુખરામ રાઠવા
- ભરૂચ: મનસુખભાઇ વસાવા-ચૈતર વસાવા (આપ)
- બારડોલી: પ્રભુભાઇ વસાવા-સિદ્ધાર્થ ચૌધરી
- સુરત: ભાજપના મુકેશ દલાલની-બિનહરીફ જીત
- નવસારી: સી.આર.પાટીલ-નૈષધ દેસાઇ
- વલસાડ: ધવલ પટેલ-અનંત પટેલ