ફાયર વિભાગે હળવદમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો
લિલાપરમાં મકાનની આગમાં ગેસ સિલિન્ડર કઢાતા મોટી હોનારત ટળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબી જિલ્લામાં રંગોત્સવ ધુળેટીના પર્વ દરમિયાન દુર્ઘટનાઓની શ્રેણી સર્જાતા શોકનું મોજું ફરી વળ્યું છે. હળવદની વનવગડો હોટલ પાછળ આવેલી કેનાલમાં 40 વર્ષીય જયસુખભાઈ દિલાભાઈ પટેલ ડૂબી જવાની ઘટના બની હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવમાં ઊંચી માંડલ ગામ નજીક કેનાલમાં એક રાજસ્થાની વ્યક્તિ ડૂબી જતાં મોડી રાત સુધી શોધખોળ ચાલી હતી, જેનું સર્ચ ઓપરેશન આવતીકાલે ફરી શરૂ કરાશે.
તહેવાર વચ્ચે આગની ઘટના પણ સામે આવી હતી, જેમાં લિલાપર સ્મશાન સામે એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી ગેસ સિલિન્ડર સુરક્ષિત બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગે નાગરિકોને તહેવાર દરમિયાન પાણીના સ્ત્રોતો પાસે સતર્ક રહેવા અને વીજ ઉપકરણો તેમજ ગેસ બંધ રાખવા અપીલ કરી છે.



