શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત
તકેદારી ડિજિટલ ટેકનોલોજીના અભિશાપથી આપણને બચાવી શકે: સાયબર ACP રબારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરતી કડવા પાટીદાર પરિવારની દીકરીઓને રહેવા-જમવા માટેની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડતી શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ ગોવાણી ક્ધયા છાત્રાલયમાં વિદ્યાર્થીલક્ષી વિભિન્ન કાર્યક્રમની શ્રેણીમાં તા. 31-12-2023 રવિવારના રોજ સંસ્થાના ઓડિટોરિયમમાં સાયબર ક્રાઈમ જાગૃતિ અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)ની પ્રેરણાથી યોજાયેલા કાર્યક્રમમાં સાયબર ક્રાઈમના એસીપી વિશાલ રબારીએ સાયબર ક્રાઈમ એટલે શું? સાયબર ક્રાઈમનો ભોગ કેમ બની જવાય છે? સાયબર ક્રાઈમ આચરનારા કઈ રીતે ક્રાઈમ કરતાં હોય છે? કઈ રીતે બચી શકાય? કોની અને ક્યાંથી ત્વરીત મદદ મળે વગેરે અનેક વિષયો પર વિસ્તૃત છણાવટ કરી હતી. પાવર પોઈન્ટ દ્વારા તેમણે સાયબર ક્રાઈમને સ્પર્શતા અનેક મુદ્દાઓની સતસ્વીર અને સવિસ્તાર રસપ્રદ છણાવટ કરી હતી.
સાયબર ક્રાઈમ રાજકોટના એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે માત્ર નાણાંકીય જ છેતરપિંડી નહીં પણ જાતિય સતામણીના સાયબર ક્રાઈમથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય તકેદારી છે. ડર, લાલચ કે આપણી આળસ સાયબર ક્રિમીનલનો હથિયાર હોય છે. આપણે ભોગ ન બનીએ અને અન્યને ભોગ બનતાં અટકાવીએ એ આજના સમયની માંગ છે. સાયબર ક્રાઈમના પીએસઆઈ એમ. એસ. વેગડે સેમિનારના આયોજનને દીકરીઓની સુરક્ષા માટેની ચિંતાને પગલે સમય સાથે કદમ મિલાવતું આયોજન ગણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ)ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ), શ્રી પટેલ સેવા સમાજ રાજકોટના ઉપપ્રમુખ નરોત્તમભાઈ કણસાગરા, સંસ્થાના ટ્રસ્ટી તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના ઉપપ્રમુખ નંદલાલભાઈ માંડવીયા, સંસ્થાના મંત્રી કિશોરભાઈ ઘોડાસરા, સંસ્થાના ટ્રસ્ટી પ્રભુદાસભાઈ કણસાગરા, ટ્રસ્ટી અને આઈ.ટી. વિભાગના સંયોજક વિજયભાઈ ગોધાણી, શ્રી પટેલ પ્રગતિ મંડળના ખજાનચી જગદીશભાઈ પારસાણીયા, સંસ્થાના બાંધકામ વિભાગના સંયોજક પ્રફુલભાઈ સાપરીયા, છાત્રાલયના કેમ્પસ ડાયરેકટર નીલમભાઈ કાલરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની પ્રણાલી અનુસાર કુળદેવી મા ઉમિયા સમક્ષ દીપ પ્રાગટ્ય અને આરતીના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. છાત્રાલયની છાત્રા યશ્વી વિરસોડીયા, કુંજન કાનાણી, ખુશી કગથરા, ધર્મા કાંજીયા, ઉન્નતિ પટેલ, કૃપા વેગડ, ખુશી ફળદુ, તથા મોસમી રાજપરાએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તેમજ સંસ્થા જોડાયેલા અનિતાબેન શાહનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન છાત્રાલયની છાત્રા રિશ્તા વાધરીયાએ કર્યું હતું.