ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓની દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવા માટે પ્રભારી મંત્રીઓ દ્વારા જિલ્લા કક્ષાએ જઈને ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓની કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કામગીરીનો ચિતાર મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પ્રતિબંધિત માર્ગ અંગેના જાહેરનામા તથા જિલ્લાના વિવિધ માર્ગોની વિગતો પણ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત અને નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રિજો અંગેની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જિલ્લામાં અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી તેમજ આ અન્વયે થયેલ કામગીરીની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને માર્ગદર્શક સૂચનો કર્યાં હતાં.
આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વે ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, પ્રભારી સચિવ આલોકકુમાર પાંડે, મ્યુનિસિપલ કમિશનર ડો. એન. કે. મીના, જિલ્લા કલેકટર ડો. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, મદદનીશ કલેકટર પ્રતિભા દહીયા, જયશ્રીબેન જરૂ, કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.