ભુપેન્દ્ર પટેલ સરકારનો મહત્ત્વનો નિર્ણય
આખરે 33 વર્ષ બાદ સરકારે હાઉસિંગ સોસાયટીમાં થતા મિલકત ખરીદ – વેંચાણમાં રજિસ્ટ્રેશન ફી સંબંધી ફેરફાર કર્યો
- Advertisement -
મોંઘી મિલ્કતોની રજિસ્ટ્રેશન ફી વધશે મહત્તમ રૂા.50 હજારની મર્યાદા દૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં એક તરફ જંત્રીમાં 100 ટકાના ભાવ વધારા બાદ તેમાં ફેરફાર અંગેની પ્રક્રિયા હાલ મુલત્વી રાખવામાં આવી છે અને હવે આગામી વર્ષે તે હાથ ધરાશે તેવું મનાય છે. તે સમયે ગુજરાત હવે મિલ્કતના ખરીદ વેંચાણ સમયે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અને તેના સ્ટેમ્પ ડયુટીમાં એક મોટો ફેરફાર લાવી રહ્યું છે. હવે પ્રોપર્ટી ટ્રાન્સફર ફી છે તેને મિલ્કતની કિંમત સાથે જોડી દેવાશે જેના કારણે વધુ મોંઘી મિલ્કતો માટે ટ્રાન્સફર ફી ઉંચી રહેશે અને તેની સાથે ગ્રામીણ સહિતના વિસ્તારોમાં કે જયાં મિલ્કતોની કિંમત નીચી છે ત્યાં ઘર ખરીદનારાઓને ફાયદો થશે. સરકારે જંત્રી વ્યવસ્થા અમલમાં મૂકી છે પરંતુ તેને અપડેટ થવામાં લાંબો સમય લાગે છે અને આ કવાયત વારંવાર કરવી પડી છે.
- Advertisement -
તેથી ગુજરાતમાં હવે એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેને હાલમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજૂરી આપી છે. હાલ સરકાર મિલ્કતની ટ્રાન્સફર ફી રૂા.500 થી 50 હજાર વસુલે છે જયારે હાઉસીંગ કોપરેટીવ સોસાયટીને તેમાંથી મુકિત છે. પરંતુ નવા કાનુન મુજબ હવે સોસાયટીના સભ્યોએ પણ ટ્રાન્સફર ફી ભરવી પડશે અને તેમાં સોસાયટી કયાં પ્રકારની છે તે મહત્વનું રહેશે નહીં.
છેલ્લે સરકારે 1991માં ટ્રાન્સફર ફી નિશ્ચિત કરી હતી. હવે હાઉસીંગ સોસાયટીમાં નવા સભ્યો હાલના સભ્ય પાસેથી મિલ્કત ખરીદે તો આ પ્રમાણે ટ્રાન્સફર ફી ચૂકવે છે અને તેના આધારે તે સોસાયટીની તમામ સેવાઓ મેળવે છે. હાઉસીંગ સોસાયટીમાં જમીનના માલિક સોસાયટી હોય છે અને તેના ઉપર આવાસનું બાંધકામ થાય છે.
જયારે અન્ય પ્રકારની સોસાયટીમાં જમીનના માલિક વ્યકિતગત હોય છે. પરંતુ લાંબા સમયથી આ અંગે સુધારાની તૈયારી હતી. અને સરકારે હવે 33 વર્ષ બાદ તેમાં સુધારા અંગે નિર્ણય લીધો છે. ગુજરાત કોપરેટીવ સોસાયટી એકટ 1961માં થયેલા સુધારા મુજબ સરકારે આ પ્રકારે ટ્રાન્સફર ફી વધુમાં વધુ સેલ દીઠના 0.5 ટકા નિશ્ચિત કરી છે.
અગાઉ તેમાં મહતમ રૂા. 50 હજાર હતી પરંતુ હવે તેને બાયપાસ કરીને જંત્રીની ચિંતા કર્યા વગર માર્કેટ કિંમત મુજબ તેમાં ટ્રાન્સફર ફી વસુલાશે અને જે મિલ્કતની કિંમત ઉંચી હશે તેની ટ્રાન્સફર ફી ઉંચી હશે. સસ્તી મિલ્કતોમાં ટ્રાન્સફર ફી નીચી જશે. સરકારે આ ઉપરાંત સર્વિસ સોસાયટી કે જેમાં જમીનની માલીકી વ્યકિતગત હોય ત્યાં પણ સોસાયટીને ટ્રાન્સફર ફી લેવા મંજૂરી આપશે તેવા સંકેત છે આ અંગે રાજયના સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે લોકોને લાભાર્થે આ નિર્ણય લેવાયો છે. જોકે આ અંગેની આખરી વિગત ટુંકમાં જાહેર થશે.