ભગવાનની નગરચર્યામાં સ્વચ્છતા જોવા મળી, પર્યાવરણનું જતન કરાયું, સેવાની સુવાસ ફેલાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટમાં રવિવારે અષાઢી બીજે કૈલાસધામ આશ્રમ અને ઈસ્કોન દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં સ્વચ્છતા જોવા મળી હતી અને પર્યાવરણનું જતન કરાયું હતું અને સેવાની સુવાસ ફેલાઈ હતી. કૈલાસધામ આશ્રમ દ્વારા આયોજિત રથયાત્રા 21 કિમીની હતી. આ રથયાત્રા દરમિયાન રથ અને ફ્લોટ્સ સાથેના વાહનો પસાર થયા બાદ તરત જ સ્વયંસેવકોએ રોડ-રસ્તાની સાફ-સફાઈ કરી હતી. આથી આખા રસ્તે સ્વચ્છતા જોવા મળી હતી. જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ આયોજિત રથયાત્રામાં અંદાજિત 30થી વધુ ટૂ વ્હિલર, ફોર વ્હિલર અને ટ્રેક્ટર જોડાયા હતા. જે તમામ ઈલેક્ટ્રિક હતા. આ ઉપરાંત ઈસ્કોન દ્વારા આયોજિત રથયાત્રામાં ઠેર-ઠેર સેવા કરતા યુવાનો જોવા મળ્યા હતા. કૈલાસધામ આયોજિત રથયાત્રા સવારે 8.00 કલાકે શરૂ થઈ હતી અને નગરચર્યા કરીને ભગવાન જગન્નાથજી,બલભદ્ર અને બહેન સુભદ્રાજી રાત્રે 8.00 કલાકે નિજ મંદિરે પરત ફર્યા હતા.નિજ મંદિરે પરત ફર્યા બાદ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
રાજકોટમાં રથયાત્રા દરમિયાન ઉજ્જૈનની રાસ મંડળીએ રજૂ કરેલા રાસ અને કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત શિવ અને કૃષ્ણલીલા દર્શાવવામાં આવી હતી. સમગ્ર રૂટ પર રથયાત્રાનું ઠેર-ઠેર ધાર્મિક- સામાજિક સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈસ્કોનની રથયાત્રામાં યુવાનોએ હરે રામ હરે રામ રામ રામ હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ,કૃષ્ણ હરે હરે, જય રણછોડ માખણ ચોરના નારા લગાવ્યા હતા. તેમજ કીર્તન રજૂ કર્યા હતા. આ સિવાય બહેનોએ પણ રાસ- ગરબા લીધા હતા. યુવાનો દ્વારા શરબત, છાશ અને પાણીનું વિતરણ કર્યું હતું.
રથયાત્રામાં છહેરા- પહેરા અને પહિંદ વિધિ રાજવી પરિવાર દ્વારા કરાઈ હતી. જ્યારે રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનનો રથ ખેંચવા અને દર્શન કરવા માટે ભક્તોની ભીડ રહી હતી. ભગવાનનો રથ ખેંચીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. કૈલાસધામ આશ્રમેથી રથયાત્રાનો પ્રારંભ થયા બાદ બપોરે રથયાત્રાનો વિરામ રણજિત વિલાસ પેલેસ ખાતે કરાયો હતો.જ્યાં સંતો-મહંતો અને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.