ખાસ-ખબર સંવાદદાતા
યુપીની અલ્હાબાદ હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતની માંગ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે કહ્યું કે દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ કરી શકાય નહીં. 12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે પીડિતાને પુરુષ દુષ્કર્મીના બાળકને જન્મ આપવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે મહિલાને મેડિકલ ટર્મિનેશનનો ઇનકાર કરવું ખોટું છે. તેને માતૃત્વની જવાબદારી સાથે બાંધવું એ સન્માન સાથે જીવવાના તેના માનવ અધિકારને નકારવા સમાન છે.
દુષ્કર્મ પીડિતાને તેના શરીરની સ્થિતિ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ પ્રશાંત કુમારની ખંડપીઠે આ ટિપ્પણી કરી છે. દુષ્કર્મ પીડિતાની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. કેસની સંવેદનશીલતાને જોતા કોર્ટે માનવતાના ધોરણે આ આદેશ આપ્યો છે. કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને જવાહર લાલ મેડિકલ કોલેજ, અલીગઢના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના પાંચ ડોકટરોની એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો.
- Advertisement -
આ સાથે કોર્ટે પીડિતાની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે મેડિકલ રિપોર્ટ 12 જુલાઈએ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે એનેસ્થેટિસ્ટ, રેડિયો ડાયગ્નોસિસ વિભાગમાંથી એક-એક સભ્યને પણ ટીમમાં સામેલ કરવામાં આવે. દુષ્કર્મ પીડિતા બહેરી અને મૂંગી છે અને પોતાની આપવીતી પણ કોઈને કહી શકતી નથી. તેના પાડોશીએ તેનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું, જેની તેણે તેની માતાને પ્રતીકાત્મક રીતે જાણ કરી હતી. આ પછી, માતાની ફરિયાદ પર, આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.