છેલ્લાં પાંચ મહિનાથી આ કુટણખાનું ધમધમતું હતું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શહેરમાં ઘણી જગ્યાએ સ્પાના ઓઠા નીચે પોલીસની મીઠી નજર હેઠળ કુટણખાના ધમધમતા હોવાની ચર્ચા વચ્ચે આજે ડીસીપી ઝોન-2ની એલસીબીની ટીમે કાલાવડ રોડ પરના જાનકી પાર્ક મેઈન રોડ જેવા પોશ એરીયામાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાનામાં દરોડો પાડી તેના સંચાલકની ધરપકડ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે કલાઉડ-9 નામનું આ સ્પા કમ કુટણખાનું છેલ્લા પાંચ મહિનાથી ધમધમતું હતું છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ ન આવી તે વાત ગળે ઉતરે તેવી નથી. એલસીબી પીએસઆઈ એ.એલ. બારસીયાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે કલાઉડ-9 નામના કોઈ દુકાનમાં નહી પરંતુ ટેનામેન્ટમાં ધમધમતા સ્પામાં ડમી ગ્રાહક મોકલી કુટણખાનું ચાલુ હોવાની ખરાઈ કર્યા બાદ દરોડો પાડયો હતો.
સ્થળ પરથી દિલ્હીની એક રૂપલલના મળી આવી હતી. જેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી. સ્પા કમ કુટણખાનાના સંચાલક ભરત હરસુર પાડા (ઉ.વ. 42, રહે. ગઢાળા, તા.જસદણ) ની સ્થળ પરથી અટકાયત કરાયા બાદ તેની વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે આરોપી ભરત ગ્રાહક પાસેથી રૂા. 10000 વસુલતો હતો. જયારે રૂપલલના રૂા. 3500 વસુલ કરતી હતી. જે રૂપલલના મળી છે તે છેલ્લા 20 દિવસથી આવી હતી. આ અગાઉ 3 થી 4 માસ પહેલા પણ આવી ચુકી છે. આરોપી ભરતે ટેનામેન્ટ ભાડે રાખી ત્યાં કુટણખાનું શરૂ કર્યું હતું. જેની જાણ થતા પાડોશીઓ પણ ચોંકી ઉઠયા હતા.શહેરમાં ખાસ કરીને કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ જેવા પોશ એરીયામાં કેટલાય સ્પામાં કુટણખાના ધમધમતા હોવાની છાશવારે ફરીયાદો ઉઠે છે. પરંતુ શંકાસ્પદ રીતે સ્થાનિક પોલીસ દરોડા પાડતી નથી. સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ જ કારસ્તાનો ચાલુ હોવાનું કહેવાય છે.
આ સ્થિતિમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ જો સ્થાનિક પોલીસની જવાબદારી ફિકસ કરી પગલા લે તો જ સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાના બંધ થઈ શકે તેમ છે. બહું ફરિયાદો ઉઠે ત્યારે પોલીસ કુટણખાનામાં ચેકીંગ કરવાના છાશવારે દેખાડા કરે છે તે અત્રે ઉલ્લેખનીય છે.


