457 બાચકા ચોખા, 73 ગુણી ઘઉં પકડાયા : 3 સામે ગુનો
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા તાલુકાના ગરીબ પરીવાર અને સરકાર માન્ય દુકાનેથી રેશનીંગનો કાર્ડ ઉપર આપવાના ચોખા અને ઘઉંનો જંગી જથ્થો ચિત્રાવડ ગામે એકત્ર થયો હોવાની અને આ જથ્થો ત્યાંથી બારોબાર સગેવગે થવાની બાતમી એલસીબીના નરેન્દ્ર કછોટને મળેલ હતી. જેના આધારે એલસીબી સ્ટાફએ બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો.
- Advertisement -
વેરાવળ એલ.સી.બી.ના પીઆઈ એ.એસ.ચાવડાએ આપેલી વિગત પ્રમાણે દરોડાની તપાસ દરમિયાન ચિત્રાવડ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાસમ ખમીસા ભાઈના ઘરના ફળિયામાંથી તથા બાજુમાં રહેતા ગાલીફ હાજી બ્લોચના ઢાળિયાના ગોડાઉનમાંથી 457 બાચકા ચોખા તથા 73 ગુણી ઘઉં કુલ 29450 કિલો અનાજનો ખાદ્ય પુરવઠો કબજાફે કર્યો હતો. આ ઉપરાંત વજન કાંટો એક, ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.4 લાખ 63 હજાર 800 નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ 41(1)ડી 102 મુજબ કબ્જે કર્યો છે. પકડાયેલ ચોખા અને ઘઉંનો જથ્થા ક્યાંથી લઈ આવેલ તેના બિલ તથા આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબો આપેલ નહીં પરંતુ આ માલ અયુબ હુસેન ખાનાણી (રહે.વિઠલપુર તા.તાલાલા ગીર), કાસમ દાઉદ ચોટલીયા (રે.મોણીયા, તા.વિસાવદર), આસિફ જીકર કાળવાતર (રે.મોણીયા, તા.વિસાવદર) વાળાએ એકત્ર કર્યા હોવાનું જણાવેલ હતું. એલસીબીના દરોડા દરમિયાન બનાવના સ્થળે એક ટ્રક, એક બોલેરો ગાડી, સાત છકડો રીક્ષા કુલ નવ વાહનો ખાલી હાલતમાં મળી આવેલ હતા. એલ.સી.બી બ્રાન્ચે તમામ વાહનોની વિગતો એકત્ર કરી પકડાયેલ ઘઉં,ચોખાના જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય શખશોની કુલ રૂપિયા 4 લાખ 63 હજાર 800 ના મુદામાલ સાથે સી.આર.પી.સી.કલમ 102 મુજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા તાલાલા પોલીસે કાગળો સુપ્રત કર્યાનું જણાવ્યું છે.