આ કાર્યક્રમમાં વેપારીઓના ત્રણ પ્રશ્ર્નનો સમયસર નિકાલ લાવવા પોલીસે બાંહેધરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીય પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી’ ઝુંબેશ હેઠળ આજરોજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ઈમિટેશન બજાર શ્રી રણછોડનગર, શ્રીરામ ઈમિટેશન માર્કેટ, શેરી નં. 3, સંત કબીર રોડ ખાતે ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, વોર્ડ નં. 6ના કોર્પોરેટર ભાવેશભાઈ દેથરિયા, વોર્ડ નં. 6ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં. 5ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, ઈમિટેશન બજારના પ્રમુખ મનીષભાઈ વસોયા, બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઈ. આર. જી. બારોટની ઉપસ્થિતિમાં ઈમિટેશન બજારમાં વેપાર કરતાં વેપારીની બહોળી સંખ્યાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
- Advertisement -

આ કાર્યક્રમમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે સમન્વય જળવાય અને વેપારીઓના પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે ઈમિટેશન બજારના વેપારીઓની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને આ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમમાં વેપારીઓની ત્રણ વાત સાંભળવામાં આવી હતી. જે ત્રણ વાતોમાં ઈમિટેશન માર્કેટમાં બહારથી બહેનો કામ કરવા આવતા હોય છે ત્યારે રોડ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા હેરાન-પરેશાન ન કરે તે માટે પોલીસ પેટ્રોલીંગ કરવા રજૂઆત કરી હતી તેમજ સંત કબીર રોડ પર ભાવનગર રોડથી જલગંગા ચોક સુધી ન્યુસન્સ જેવી પ્રવૃત્તિઓ ઉપર ખાસ સપોર્ટ આપવા માટે રજૂઆત કરેલ તથા ઈમિટેશન બજારમાં બહારથી માલ લેવા આવતા વેપારીઓ ઉધારીમાં માલ લઈ જતાં હોય છે અને અમારો વેપાર વધુ ઉધારી ઉપર ચાલતો હોય છે તેમાં ઘણી વખત અમારા વેપારીઓના પૈસા ખોટા થતાં હોય છે તેમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ વેપારીઓના ત્રણ પ્રશ્ર્નોનું સમયસર નિરાકરણ લાવવા અર્થેની બાંહેધરી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. બાદમાં પોલીસની ત્રણ વાત કરવામાં આવી હતી. જેમાં ઈમિટેશન બજારમાં એન્ટ્રી તથા એક્ઝિટ પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કરેલ, ઈમિટેશન બજારમાં રાજ્ય બહારથી કામ કરવા આવતાં કારીગરોનું પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવા અને ઈમિટેશન બજારમાં વાહન ચોરીના ઘણાં વધુ બનાવો ન બને તે માટે પોતાના વાહનો લોક કરીને અને સીસીટીવી કેમેરામાં દેખાય તે રીતે યોગ્ય પાર્કિંગમાં જ રાખવા સૂચના આપી હતી.



