સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાજકોટની ભાગોળે આજી ડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલી કિશાન ગૌશાળા ખાતે તા. 26 ને બુધવારના રોજ બપોરે 3-00થી સાંજે 6-00 વાગ્યા સુધી ભગવાન શિવને પ્રિય એવા નંદીપૂજન અને ગૌપૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથે ભજન, કીર્તન, પ્રવચન, હવન, શિવ આરાધના કરાશે. નંદીપૂજનમાં આવનાર તમામ ભાવિક ભક્તો માટે ફળાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ અને શિવભક્તિના પ્રસાર માટે રાખવામાં આવ્યું છે. સૌ ભાવિકજનો શિવવંદના, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. સિવિલ હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકો માટે નિ:શુલ્ક લોહી મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરાયું છે. રક્તદાન કરી અમૂલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના જીવનને બચાવવા નિમિત્ત બનવા માટે કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
કિશાન ગૌશાળાની અદ્ભૂત સેવા
રાજકોટ શહેરની ભાગોળે આવેલી કિશાન ગૌશાળામાં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહ્યો છે. જેમાં રસ્તે રઝળતા, બિનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલી કિશાન ગૌશાળા અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ મો.નં. 9725219761 પર સંપર્ક કરી શકાશે.