12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા કુલ 891 બાળકોને નિ:શુલ્ક પ્રવેશ અપાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક સ્થળ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બીજી ઓક્ટોબરના રોજ સાંજના 5:45 કલાકે ગાંધી ધૂન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ગાંધી ધૂન કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિનભાઈ મોલિયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ જુદી જુદી સામાજીક સંસ્થાના અગ્રણીઓ, પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર દર વર્ષે 26-મી જાન્યુઆરી, 30-મી જાન્યુઆરી, 15-મી ઓગસ્ટ અને 2-જી ઓક્ટોબર નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ગાંધી ધૂન કાર્યક્રમમાં કલાકાર હાર્દિક દવે દ્વારા વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, ધૂણી રે ધખાવી અમે તારા નામની, જો સુખ હે રામ ભજન મેં વો સુખ નાહી અમીરી મેં… વગેરે ભજનો ગાયા હતા.