એમ્બ્યૂલન્સમાં પ્રસૂતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા ઊના 108 ઈમર્જન્સીના કર્મચારીઓ
પરિવારજનોએ ઈમર્જન્સી સેવાના કર્મચારીઓની કામગીરીને બીરદાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
ઉના નવાબંદર 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ કટોકટીની પળોમાં પાલડી ગામની પ્રસુતાને સમયસર સારવાર આપીને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી. જિલ્લા 108 અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું હતું કે, ઉના નવાબંદર 108 એમ્બ્યુલન્સને એક કોલ મળ્યો હતો કે ઉના તાલુકાના પાલડી ગામે એક સગર્ભા મહિલાને ડિલિવરીનો દુ:ખાવો ઉપડયો છે.
કોલ મળતાં જ 108 એમ્બ્યુલન્સ ગણતરીના મિનિટોમાં પાલડી ગામ પહોંચી હતી અને પ્રસુતાને ડિલિવરી માટે એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા તેવા સમયે પ્રસુતાને દુ:ખાવામાં વધારો થયો હતો. એમ.ટી. હરેશભાઈ વાઢેર દ્વારા અમદાવાદ સ્થિત હેડ ઓફિસના ડોક્ટરની મદદ લઈ જરૂરી સારવાર આપવાનું ચાલુ કર્યું હતું અને એમ.ટી. હરેશભાઈ સાથે પાયલટ નારણભાઈએ રસ્તા પર 108 એમ્બ્યુલન્સ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રસુતાએ એક તંદુરસ્ત અને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને માતા અને પુત્રીને જરૂરી સારવાર માટે નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટર, દેલવાડા ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ રીતે 108 ઈમરજન્સી સેવાની સારી કામગીરીને પેશન્ટના પરિવારજનોએ બિરદાવી હતી.