252 kmphની ઝડપે પવન ફૂંકાયો: ભૂસ્ખલનથી 3ના મોત
ખાસ-ખબર ન્યૂઝ જાપાન
- Advertisement -
આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડુ ‘શાનશાન’ જાપાનમાં ત્રાટક્યું છે. શાનશાન ગુરુવારે સવારે 8 વાગ્યે દક્ષિણ-પશ્ર્ચિમ દ્વીપ ક્યુશુ પર પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે 252 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે જાપાનમાં ટાયફૂન નંબર 10 તરીકે ઓળખાતા શાનશાને 250,000 થી વધુ ઘરોની વીજળી ડુલ કરી દીધી છે. જાપાનના ક્યોડો ન્યૂઝ મુજબ, ગુરુવારે ગામગોરીમાં એક ઘર ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું હતું, જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. આ સિવાય 2 લોકો ઘાયલ પણ થયા છે. હવામાન એજન્સીએ છેલ્લા 48 કલાકમાં કાગોશિમા રાજ્યમાં 1,100 મીમી વરસાદનો અંદાજ મૂક્યો છે, જે સમગ્ર વર્ષના સરેરાશ વરસાદ કરતાં લગભગ અડધો છે. ભારે વરસાદને કારણે સત્સુમાસેન્ડાઈ શહેર નજીક ભૂસ્ખલન થયું હતું.
જાપાન સરકારે કાગોશિમાના કેટલાક વિસ્તારોમાં લેવલ 5 ની ઈમરજન્સીની ચેતવણી જાહેર કરી છે. જેમાં તમામ અસરગ્રસ્તોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે. ટ્રેનો રદ કરવામાં આવી છે. બસો અને અન્ય વાહનો ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પહેલા જાપાનમાં લેવલ 5ની ચેતવણી માત્ર ત્રણ વખત જાહેર કરવામાં આવી હતી. પહેલી વખત જુલાઈ 2014માં ઓકિનાવા પ્રાંતમાં શક્તિશાળી વાવાઝોડુ આવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2016માં પણ ઓકિનાવામાં આવી જ ચેતવણી આપવામાં આવી હતી. આ પછી સપ્ટેમ્બર 2022માં ક્યુશુ આઇલેન્ડમાં આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. છેલ્લા દસ વર્ષમાં જાપાનમાં ચોથી વખત લેવલ 5નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા દસ વર્ષમાં જાપાનમાં ચોથી વખત લેવલ 5નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જાપાન એરલાઈન્સે બુધવાર અને ગુરુવારે 172 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને છ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી. બીજી એરલાઇન, અગઅ એ 219 સ્થાનિક ફ્લાઇટ્સ અને ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી. ફ્લાઈટ કેન્સલ થવાથી 25 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. કુમામોટો અને કાગોશિમા વચ્ચે ચાલતી બુલેટ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. કાર નિર્માતા કંપની ટોયોટાએ વાવાઝોડુ શાંત ન થાય ત્યાં સુધી જાપાનમાં તેની તમામ 14 ફેક્ટરીઓમાં પ્રોડક્શન અટકાવી દીધું.