ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કાર્યસ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી રોકવાનો અને સલામત વાતાવરણ નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય સાથે GMERS મેડિકલ કોલેજ, પોરબંદર ખાતે ‘The PoSH Act, 2013’ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને કાયદાની જોગવાઈઓ અંગે માળખાકીય, કાયદાકીય અને વ્યાવહારિક માર્ગદર્શન અપાય તેવો આ સેમિનાર રહ્યો. કાર્યક્રમની શરૂઆત મેડિકલ કોલેજની પ્રતિનિધિ ચાંદનીબેન દ્વારા મહેમાનોના સ્વાગતથી થઈ હતી. બાદમાં જાતિય સતામણીની ગંભીરતા અને તેના પરિણામોને સમજાવતી પ્રતિકાર ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું. જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોરબંદરના કાયદા નિષ્ણાત યોગેશભાઈ નનેરાએ The PoSH Act, 2013ની મુખ્ય જોગવાઈઓ, ફરિયાદ નોધણીની પદ્ધતિ, કાયદાકીય સુરક્ષા અને આંતરિક સમિતિની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે ઉદાહરણો સાથે સમજાવ્યું કે કાર્યસ્થળે કેવા વર્તનને જાતિય સતામણી માનવામાં આવે છે
- Advertisement -
અને પીડિતાને કઈ રીતે કાનૂની મદદ મળી શકે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી પી.પી. જાદવે પોતાના ઉદબોધનમાં સંસ્થાઓએ સલામત, ભેદભાવમુક્ત અને સન્માનજનક કાર્યસ્થળ નિર્માણ માટે અપનાવવાની જવાબદારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કાયદો માત્ર નિયમ નહિ પરંતુ સંસ્થાકીય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનું મહત્વપૂર્ણ સાધન છે. સેમિનારમાં ડો. સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર – સંકલ્પ), ચિરાગ દવે, રાજેશ ટાંક, રૂપલબેન ભટ્ટ, તેજલ રાજાણી, કિરણબેન ગોસાઈ સહિતના અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમ હાજર રહી હતી. કાર્યક્રમના અંતે કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને ઈંઊઈ મટીરીયલ સાથેની જાગૃતિ કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા કોલેજમાં ફરિયાદ નિવારણ હેલ્પલાઈન બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો. આભારવિધિ ડો. સંધ્યાબેન જોશીએ વ્યક્ત કરી હતી. આ સેમિનારથી GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાતિય સતામણી વિરુદ્ધના અધિકારો, કાનૂની પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સ્પષ્ટ સમજણ મળતા સંસ્થામાં સલામતી, વિશ્વાસ અને સશક્તિકરણનું વાતાવરણ વધુ મજબૂત બન્યું છે.



