ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટના દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના સેવાકાર્યોના વિડીયો અજાણ્યા સખસોએ ફેક આઇડી બનાવી તેમાં અપલોડ કરી કયુંઆર કોડ મૂકી દાન ઉઘરવવામાં આવતું હોય તે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે.
શહેરના રૈયા રોડ પર જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતાં અને ઢોલરામાં આવેલા શ્રીમતી રૂક્ષમણીબેન દીપચંદ ગાર્ડી ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી નલીનભાઇ કનૈયાલાલ તન્ના ઉ.56એ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ વૃધ્ધાશ્રમની સેવાકીય કામગીરીના વીડિયો ફેક આઇડી દ્વારા સોશિયલ મીડિયામાં મૂકી દાન ઉઘરાવવાનો પ્રયાસ થયો હતો. દિકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં 27 વર્ષથી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતાં નલીનભાઇ તન્નાએ વધુમાં જણાવ્યું છે કે સંસ્થાની કામગીરી લોકો સુધી પહોંચે તે હેતુથી સંસ્થાના કર્મચારી જગદીશ ઉર્ફે મોન્ટુ પાલીવાલે અગાઉ સેવાકીય કાર્યોના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. તાજેતરમાં એવું જોવા મળ્યું હતું કે, સુભાષ વૃધ્ધાશ્રમના નામે કોઇ શખ્સે ફેક આઇડી બનાવી તેમાં અમારા દિકરાનું ઘર વૃધ્ધાશ્રમની કામગીરીના વીડિયો મુકયા હતા અને લોકોને દાન કરવા માટે અપીલ કરી તેમાં કયુઆર કોડ પણ મુકયો હતો સાયબર ક્રાઇમ પોલીસ મથકના દીપકભાઇ પંડિતે ગુનો નોંધી પીઆઇ આર. જી. પઢીયારે તપાસ હાથ ધરી છે.