ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપામાં વહિવટી સુધારણા ક્ષેત્રે લેવામાં આવી રહેલા પગલાંઓ અંતર્ગત ગત વર્ષથી શરૂ કરવામાં આવેલી ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમને ભારત સરકાર દ્વારા નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ આપવામાં આવતાં રાષ્ટ્રીય સ્તરે રાજકોટ મનપાને ગૌરવ પ્રાપ્ત થયેલ છે તેવું મેયર પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુ ધવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવી ખુશી વ્યક્ત કરીને તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
મનપા દ્વારા ગત વર્ષ 18-8ના રોજ નાગરિકો માટે ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આજ સુધીમાં આ સેવાનો 4,26,920 શહેરીજનોએ ઉપયોગ કર્યો છે. ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના જુદા-જુદા વિભાગો અને રાજ્ય સરકારના વિભાગો, મનપાઓ તેમજ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવતાં શ્રેષ્ઠ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટને એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ જુદી-જુદી પાંચ કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં મનપાને ઓટીપી આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમને એક્સલન્સ ઈન ડીસ્ટ્રીક્ટ લેવલ ઇનિશિએટિવ ઈન ઈ-ગવર્નન્સમાં એવોર્ડ ટ્રોફી અને રૂા. 3 લાખ પુરસ્કાર આપવામાં આવેલ છે.
આ પ્રોજેક્ટના હેડ મ્યુ. કમિશનર અરોરા તેમજ અન્ય ટીમને એવોર્ડ સર્ટિફીકેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મનપાના નાયબ કમિ. નંદાણી તેમજ ડાયરેકટર આઈટી સંજય ગોહિલ દ્વારા ભારત સરકારના મંત્રીના વરદહસ્તે એવોર્ડ સ્વીકારવામાં આવેલ.
રાજકોટ મનપા માટે ગૌરવની વાત: OTP આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમને એવોર્ડ
