‘લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, સળગ્યાં મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી…’ આ કવિતા ત્રીજા ધોરણના બાળકોને ભણાવાય છે!
આદિપુરૂષ ફિલ્મના ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ની ધો. 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશ: ઉઠાંતરી કરાઈ છે?: ફિલ્મના ડાયલોગની જેમ પુસ્તકની કવિતા અને સંવાદોમાં પણ સુધારો જરૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રામાયણના કેટલાક પ્રસંગોને આધારે આદિપુરુષ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિપુરુષ ફિલ્મમાં રામાયણનો એક પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા પહુંચે છે ત્યારે રાવણની સેના હનુમાનજીને પકડી લે છે. રાવણના કહેવા પર મેઘનાથ હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવીને પૂછે છે, ‘જલી?’ ત્યારે હનુમાનજી કહે છે કે, ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ એવું કહેવાઈ છે કે આ ડાયલોગ કુમાર વિશ્વાસ દ્વારા કહેવામાં આવ્યો હતો,
‘તેલ તેરે બાપ કા..’ ડાયલોગ સુધારાયો અને તે લખવા બદલ લેખક મનોજ મુંતશિર શુક્લાએ બે હાથ જોડીને બિનશરતી માફી માગી : ‘એક છલાંગે દરિયો કૂદો’ કવિતા તથા સંવાદો ક્યારે દૂર કરવામાં આવશે અને તેના લેખન-પ્રકાશન બદલ કોણ માફી માગશે?
આદિપુરુષ ફિલ્મના લેખક મનોજ મુંતશિરે કુમાર વિશ્વાસના ડાયલોગની ઉઠાંતરી કરી છે. પરંતુ હકિકતમાં આદિપુરુષ ફિલ્મના ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ની ધો. 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશ: ઉઠાંતરી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ધો. 3 ગુજરાતી – કલશોર પુસ્તકમાં 7મી કવિતા છે જેનું નામ છે, ’એક છલાંગે દરિયો કૂદો’ આ કવિતા પાના નંબર 103 પર આવેલી છે.
- Advertisement -
આ કવિતાના શબ્દો છે,
લંકા તારી સળગી ગઈ
પૂંછડી મારી સાજી રહી…
તેલ પણ તારું ગાભા તારા
દીવાસળી પણ તારી ગઈ
પૂંછડી મારી સાજી રહી…
સળગ્યાં મકાનો ને સળગ્ય મહેલો
ઊભી બજાર પણ સળગી ગઈ
પૂંછડી મારી સાજી રહી…
આ કવિતા ઉપરાંત આ પુસ્તકના પાના નં. 107 અને 108 પર હનુમાનજી અને રાવણના કેટલાક સંવાદો પણ આપવામાં આવ્યા છે જ્યાં ફરી એક વખત હનુમાનજીની પૂંછડી સળગાવ્યા બાદ તેઓ હસતાં મોઢે ગાતા જાય છે.. ’લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી..’ અહીં ફરી આખી કવિતા લખવામાં આવી છે. હવે મૂળ મુદ્દો એ છે કે, જો આદિપુરુષ ફિલ્મના ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’એ વિવાદ સર્જતા તેને દૂર કરવામાં આવ્યા છે તો ’લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી..’ કવિતા અને સંવાદો ધો. 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી દૂર થવી જોઈએ. કરોડો લોકોની લાગણીને ધ્યાનમાં લેતા આદિપુરુષ ફિલ્મના માત્ર કેટલાક ડાયલોગ જ દૂર નથી કરાયા પરંતુ ડાયલોગ દૂર કરવા ઉપરાંત તેને લખનારા મનોજ મુંતશિર શુક્લાએ બે હાથ જોડીને બિનશરતી માફી પણ માંગી છે એ ન ભૂલવું જોઈએ.
આદિપુરુષ ફિલ્મ સિનેમા ઘરોમાં આવી બાદ તેના કેટલાક ડાયલોગની ભારે ટિકા થઈ હતી. હનુમાનજી ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા, ઔર જલેગી ભી તેરે બાપ કી..’ જેવા સંવાદો બોલતા હોય એવું દર્શાવવામાં આવતા કરોડો હિંદુઓની ભાવનાને ઠેસ પહોચી હતી. આ ડાયલોગથી રામાયણ ઉપરાંત હનુમાનજી અંગે નવી પેઢીના મનોમસ્તિષ્કમાં ગેરસમજણ ઉભી થશે એવો તર્ક રજૂ કરાયો હતો. આ વિવાદ વધ્યો એટલે ફિલ્મમાંથી ન ફક્ત કેટલાક ડાયલોગ બદલવા પડ્યા પરંતુ ફિલ્મના લેખકે માફી પણ માગવી પડી તો પછી અહીં યક્ષ પ્રશ્ન એ જ છે કે, આ ડાયલોગની જ્યાંથી ઉઠાંતરી કરવામાં આવી છે એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ધો. 3ના ગુજરાતી – કલશોર પુસ્તકમાંથી 7મી કવિતા ‘એક છલાંગે દરિયો કૂદો’ એ ક્યારે દૂર કરવામાં આવશે અને આ કવિતા તથા સંવાદોના લેખન-પ્રકાશન બદલ માફી કોણ માગશે?