નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા નગર શુક્રવારે વરસાદી માહોલ વચ્ચે જાણે હિલ સ્ટેશનમાં ફેરવાયું હતું. ભરપુર વનરાજીથી આચ્છાદિત સાતપુડા અને વિંધ્યાચલની ગિરીકંદરાઓ જાણે કુદરતના ખોળે પ્રવાસીઓને આકર્ષી રહી હોય તેવો અદભૂત નજારો સર્જાયો હતો.
સરદાર સાહેબની અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ છે ત્યારે એકતા નગર હીલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવો માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે ધીમીધારે વરસાદી માહોલ બનતાં આહલાદક વાતાવરણ જોઈને તમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું મન જરુર થશે.
- Advertisement -
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ સુંદર દૃશ્ય સર્જાયું છે. હાલ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ છે અને આગામી ચાર-પાંચ દિવસ પણ સમગ્ર રાજ્યમાં હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અને આવતીકાલથી શરૂ થતાં વિકેન્ડ દરમિયાન અમદાવાદ, વડોદરા નજીકમાં ફરવાલાયક સ્થળ અંગે વિચારી રહ્યાં હોવ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.