ખાસ-ખબર સંવાદદાતા
હળવદના ટીકર રણ ગામમાં સોનું ધોવાના બહાને આવેલા બે હિન્દીભાષી શખ્સોનો ભાંડો ફૂટી ગયો હતો જેમાં ગ્રામજનોએ એક ઈસમને ઝડપી લીધો હતો જ્યારે એક ગઠીયો નાસી જવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
હળવદ તાલુકાના છેવાડાના ટીકર રણ ગામમાં ગઈકાલે બપોરે બે હિન્દીભાષી શખ્સો સોનું ધોઈ દેવાના બહાને બાઈક લઈને આવ્યા હતા અને ગામમાં રહેતા વલીભાઈ પાયકના ઘરે જઈને તેમનો સોનાના ચેઈન ધોઈ દેવાનું કહ્યું હતું જેથી વલીભાઈએ પોતાનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ધોવા માટે આ બંને શખ્સોને આપ્યો હતો પરંતુ ચેઈન ધોવાના બહાને તપેલામાં નાખેલા કેમિકલને કારણે સોનાના ચેઈનના કટકા થઈ ગયા હતા જેથી બંને ગઠિયાઓનો ભાંડો ફૂટી ગયો હતો જેથી ભોગ બનનારે દેકારો કરતાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા તે દરમિયાન એક શખ્સ નાસી ગયો હતો જ્યારે એક ઈસમને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી.