સોની વેપારીના ઘરમાંથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે ગયેલા રાજકોટના સોની પરિવારના ઘરમાંથી થયેલી મોટી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભાવનગરના એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ આપેલી માહિતી મુજબ, ગત તા. 20 ઓક્ટોબરના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં સોની વેપારીના મકાનમાંથી રાત્રીના 7.45 થી 11.30 વાગ્યા દરમિયાન 40.30 લાખની ચોરી થઈ હતી. પરિવાર દુકાને ચોપડા પૂજન માટે ગયો હતો, ત્યારે આ બનાવ બન્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સીસીટીવી ફૂટેજની તપાસના આધારે ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલભાઇ સમા (ઉ.40, રહે. ભાવનગર) નામના ભંગારના ધંધાર્થીને આજીડેમ ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો.
- Advertisement -
પોલીસે આરોપી પાસેથી 65.48 લાખની કિંમતના 613.150 ગ્રામ સોનાના દાગીના, 1,32,900ની કિંમતના ચાંદીના દાગીના, 2.35 લાખની રોકડ તેમજ ટુ વ્હીલર અને મોબાઇલ મળીને કુલ 70,05,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ઇરફાન સમા વિરુદ્ધ અગાઉ ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.



