એસ્ટેટની બેઠકમાં PM-USHAઅંતર્ગત 56.76 કરોડનાં ખર્ચે નવા બાંધકામ, અર્થશાસ્ત્ર ભવનનુ ડિમોલિશન થશે
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યા બાદની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામના કામોની મંજૂરી માટેની એસ્ટેટની પ્રથમ બેઠક આજે બપોરે મળી હતી. જેમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી જેના નિર્માણ માટેની મસમોટી જાહેરાતો કરવામાં આવી રહી હતી તેનો પ્રિલિમિનરી પ્લાન્ટ મંજુર કરવા અંગેનો નિર્ણય લેવાશે એટલે કે 8 કરોડના ખર્ચે નવું ભાષા ભવન બનશે તો PM USHA અંતર્ગત 54.76 કરોડના નવા બાંધકામના કામોને મંજૂરી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100 કરોડની PM USHA(પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન)ની ગ્રાન્ટ મળી છે, ત્યારે તેમાંથી રૂપિયા 54.76 કરોડ જેટલો ખર્ચ બાંધકામ માટે થવાનો છે તેવામાં 41.35 કરોડનાં ખર્ચે નવું એકેડેમિક બિલ્ડીંગ અને નવું ગેસ્ટ હાઉસ બનાવવા અંગે નિર્ણય લેવાયો હતો.
- Advertisement -
આ ઉપરાંત જુદાજુદા ભવનોમાં રીનોવેશન માટે 13.41 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જોકે, આ તમામ કામ માટે સરકારી આર્કિટેકટ તરીકે નગર નિયોજન કચેરી અને બાંધકામ માટે માર્ગ અને મકાન વિભાગને પ્રથમ તક આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ યુનિવર્સિટીના કામ માટે ફક્ત બંને વિભાગમાંથી કોઈ જ પ્રત્યુતર ન આવતા આખરે યુનિવર્સિટી દ્વારા આર્કિટેક્ટ પેનલ બનાવવાની ફરજ પડી. જ્યારે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટની કામગીરી વડોદરાની વિશ્વકર્મા ક્ધસલ્ટન્સી સર્વિસને સોંપવામાં આવેલી છે.આર્કિટેક પેનલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગના નાયબ કુલસચિવ, બાંધકામ ઇજનેર ઉપરાંત ઈન્દુલાલ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકટના ડો. દેવાંગ પારેખ અને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર આશાબેન જોશીને મૂકવામાં આવ્યા છે. આ બેઠકમાં સરકારી કાર્યક્રમો માટે વીવીઆઈપી અને વીઆઈપી મંડપની સુવિધા પૂરી પાડવા માટે વાર્ષિક રૂપિયા 1,22,736 ના ખર્ચે કામ આપવા માટે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત યુનિવર્સિટી કેમ્પસ ઉપરાંત આસપાસના વૃક્ષો અને ફૂલ ઝાડની જાળવણી અને નિભાવણી માટે વાર્ષિક 15.13 લાખની ફાળવણીનો નિર્ણય થયો હતો. ઉપરાંત 45 વર્ષ જૂના અર્થશાસ્ત્ર ભવનનું ડિમોલિશન કરી નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.