18,500 સ્ક્વેર ફૂટમાં બનશે ચાર માળનું બિલ્ડિંગ
7.30 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક પ્રમુખ ભૂપત બોદરના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો માટે 7.30 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગ અંદાજિત 45 કરોડના ખર્ચે તૈયાર થનાર છે તેવું જિલ્લા વિકાસ અધિકારી દેવચૌધરીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
વધુમાં દેવચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે જેમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવનાર છે. ચાર માળની બિલ્ડિંગ તૈયાર થશે તથા 18500 સ્કવેર ફૂટમાં આ બિલ્ડિંગ આકાર લેશે. અંદાજિત દોઢ વર્ષનો સમય લાગી શકે છે. અંદાજિત 45 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બિલ્ડિંગમાં પહેલા માળે આરોગ્ય શાખા, આરોગ્ય સ્ટોર, કેન્ટીન, બીજા માળે વિકાસ પંચાયત તથા હિસાબી શાખા સહિતની બ્રાન્ચ, 350 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતો હોલ, ત્રીજા માળે સિંચાઈ શાખા, આંકડા શાખા, પશુપાલન શાખા, ખેતીવાડી શાખા, ચોથા માળ પર બાંધકામ વિભાગ, ફાઈલ સ્ટોર તથા જરૂર પડ્યે ભવિષ્યમાં વધારાના બે માળ પણ કરી શકાશે તેવી ડિઝાઈન આર્કિટેક પાસે બનાવવામાં આવી છે. આ સાથે સ્ટ્રોંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બેઠકમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના પાણી, રોડ રસ્તા, કોઝ-વે સહિતના અન્ય વિકાસના કામો માટે ટોટલ 7.30 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ તાલુકાના વિવિધ ગામોમાં સીસીટીવી કેમેરા માટે 40 લાખ, 36 ગ્રામ પંચાયત સોલાર રૂફટોપ માટે 70 લાખ, વિવિધ ગામોમાં કોઝવે માટે સહિતના અન્ય કામ માટે 376.00 લાખ, સફાઈના કામો માટે 185.25 લાખ અને પાણીના કામો (ટાઈડ) માટે 187.75 લાખ આમ ટોટલ 7.30 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો થશે.
વધુમાં પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે પશુઓમાં થતો લમ્પી વાયરસ અટકાવવા રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 3,50,000 પશુઓ છે જેમાંથી 2,02,000 પશુઓને લમ્પી વાયરસ વિરોધી રસી આપવામાં આવી છે. ખાસ ગામડાઓમાંથી એવી ફરિયાદ ઉઠવા પામી હતી કે રસી માટે રૂા. 100 ઉઘરાવવામાં આવે છે પરંતુ રસી તદ્દન ફ્રી છે માટે પશુઓને રસી આપવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવતો નથી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવચૌધરી સહિત શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.