આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત સમજ આપી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલેે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો-ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. 24% જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. આ પરિવર્તનના કારણે દિવાળીમાં વરસાદ થઈ રહ્યો છે. ગત વર્ષો દરમિયાન ગીર-સોમનાથ જિલ્લામાં બે વાવાઝોડા આવ્યા હતા ગીર-સોમનાથવાસીઓ તેના સાક્ષી છે. તમિલનાડુમાં દોઢ મહિના પહેલાં એક જ દિવસમાં આખી સીઝનનું પાણી પડ્યું હતું. આ બધું શા માટે થઈ રહ્યું છે? આ તમામ એટલા માટે થઈ રહ્યું છે કે આપણે વાતાવરણ દૂષિત કરી નાખ્યું છે. ધરતીનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે.
એક ડિગ્રી તાપમાન વધશે તો ખેતરમાં લાખો કરોડો ટન અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે. જયારે આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના 10 જેટલા સ્ટોલની રાજ્યપાલશ્રીએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.