કેલીએ માત્ર 14 વર્ષની વયે મમ્મીની જેમ જ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જોવાની શરૂઆત કરી હતી
આ મહિનાની શરૂઆતમાં સાઉથવેસ્ટ ઍરલાઇનની ફ્લાઇટમાં મા-દીકરીની જોડીએ પ્રથમ વાર પાઇલટની જોડી બનાવીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. ઍરલાઇન દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ કૅપ્ટન હેલી પેટીટ અને ફર્સ્ટ ઑફિસર કેલી પેટીટ કંપનીના ઇતિહાસમાં પ્રથમ મા-દીકરીની જોડી બની છે, જેમણે ૨૩ જુલાઈએ ડેનવરથી સેન્ટ લુઇસ સુધીની ફ્લાઇટમાં સાથે પાઇલટની ભૂમિકા નિભાવીને ફ્લાઇટ ઉડાડી હતી.
- Advertisement -
હેલી પેટીટે કહ્યું કે ‘સૌપ્રથમ મને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો મોહ હતો અને પછીથી મારાં સંતાનોમાંથી એક સંતાને આ જ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો નિર્ણય કર્યો જે મારા માટે સ્વપ્નવત્ હતું. હેલીએ કૉલેજ પૂરી કર્યા બાદ ફ્લાઇટ અટેન્ડન્ટ તરીકે પોતાની ઉડ્ડયન કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે એક તબક્કે તેને સમજાયું હતું કે તેને વાસ્તવમાં પાઇલટ બનવું હતું.
તે પાઇલટ તરીકેનું શિક્ષણ લઈ રહી હતી એ વખતે તે ત્રણ બાળકોની માતા બની અને પૂર્ણ સમયની માતા તરીકે પરિવારને ટેકો આપ્યો. પોતાના પતિ અને મમ્મીની મદદથી તેણે પોતાના પાઇલટ બનવાના સપનાને પૂર્ણ કર્યું. પોતાના જીવનના અદ્ભુત ઇન્ટરવ્યુને યાદ કરતાં હેલીએ કહ્યું હતું કે આજે ૧૮ વર્ષ પછી પણ ફ્લાઇટ ઉડાડવામાં હું એટલો જ રોમાંચ અનુભવું છું.
હેલીની પુત્રી કેલીએ માત્ર 14 વર્ષની વયે મમ્મીની જેમ જ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જોવાની શરૂઆત કરી હતી. તેણે પાઇલટ તરીકેનું લાઇસન્સ મેળવ્યા બાદ ૨૦૧૭માં સાઉથવેસ્ટ ઍરલાઇન્સમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. કેલીનું કહેવું છે કે હું હંમેશાં સાઉથવેસ્ટ ઍરલાઇન્સમાં જોડાવા માગતી હતી. હેલી અને કેલી સાઉથવેસ્ટનો ઇતિહાસ રચી રહી છે એવું નહીં, પરંતુ તેઓ તમામ ઉંમરની મહિલાઓને ઉડ્ડયનમાં તેમના સપનાને આગળ ધપાવવા માટે સશક્તીકરણ પણ કરી રહી છે એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. પાઇલટ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યા અનુસાર માત્ર ૬ ટકા પાઇલટ મહિલાઓ હોય છે.
- Advertisement -