સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બનેલો બનાવ : મજૂરી અર્થે આવ્યો હતો પરિવાર
આજી ડેમ પોલીસે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં આજી ડેમ પાસે રામવનની બાજુમાં આવેલ સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં દીવાલ માથે પડતા માતા-પુત્રનાં મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસની તપાસ દરમિયાન મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી તે સમયે ટ્રેક્ટર ચાલક રેતી ઠલવી રહ્યો હતો તે દરમિયાન માતા-પુત્ર પર દિવાલ પડતાં બન્નેના મોત થયા હતા આજી ડેમ પોલીસે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાના નવા બનતા શેડના કામ વેળાએ દીવાલ માથે પડતા સીમાબેન સંજયભાઇ મોહનિયા ઉ.21 અને તેના એક વર્ષના પુત્ર સાર્થકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા 108નો સ્ટાફ દોડી ગયો હતો અને જોઈ તપાસી મૃત જાહેર કરતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરી હતી. એએસઆઇ મારવાડિયા સહિતે તપાસ કરતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની સીમાબેન તેના પુત્રને સાથે લઇ કામ કરતા હોય તે દરમિયાન આ બનાવ બન્યાનું જાણવા મળતા પોલીસે મૃતકના પતિ સંજયભાઇ ગુડુંભાઈ મોહનિયાની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેક્ટરના ચાલક અને કોન્ટ્રાક્ટર નરેશ નારણભાઇ ચૌહાણ સામે બેદરકારી દાખવવા સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.