જામનગર રોડ પર આવેલ એક રેસિડેન્સીમાં નજીકની જ વિંગમાં રહેતાં નરાધમ શખ્સે અગાસીમાં બોલાવી સગીરાનો દેહ અભડાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં જામનગર રોડ પર આવેલ એક રેસિડેન્સીમાં 15 વર્ષની સગીરા પર તેની નજીકની વિંગમાં રહેતાં જેનિલ સવાણી નામના શખ્સે તેણીને અગાસી પર બોલાવી પોર્ન વિડીયો બતાવી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
બનાવ અંગે રાજકોટમાં જામનગર રોડ પર આવેલ એક રેસિડેન્સીમાં રહેતાં વેપારીએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે જેનિલ અતુલ સવાણી (ઉ.વ.20) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 376(3), 354(અ),અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ચાર પુત્રીઓ છે. ગત તારીખ 22/11 ના રાત્રીના દસ વાગ્યાની આસપાસ તેની 15 વર્ષની સગીર પુત્રી પોતાના ઘરે હતી,ત્યારે આરોપીએ તેણીને ફરિયાદીના ફ્લેટની અગાસી પર બોલાવી હતી. બાદમાં આરોપીએ પોતાના મોબાઈલમાં પોર્ન વિડીયો ચાલુ કરી સગીરાને બળજબરી પૂર્વક દેખાડ્યા હતાં.
બાદમાં આરોપીએ સગીરાની જાતીય સતામણી કરી તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો. જે બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે સગીરાએ પરિવારને વાત કરતાં મામલો સામે આવતાં પરિવારજનો નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. બનાવ અંગે ગઈ તા.22 ના ફરિયાદીને આરોપી તેમજ તેના પતિ સહિતના શખ્સોએ ટોળકી રચી બેફામ ગાળો આપી ઢીકાપાટુનો ઢોર મારમાર્યો હતો . બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે ફરિયાદીના ભાઈ સગીરા પર દુષ્કર્મ કરતાં આરોપીને જોઈ ગયા બાદ તેને ફરિયાદીને વાત કરતાં તેઓએ આરોપીને ટપારી ફડાકો ઝીંકતા મામલો બીચકયો હતો.