મહેન્દ્રનગર ચોકડી પાસે ટાયરની દુકાનમાંથી ચોરીના બનાવનો એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નજીકની મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ ઉપર પટેલ ટાયર હબ નામની દુકાન ધરાવતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા નામના વેપારીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેઓ ટાયર ગોઠવતા હતા ત્યારે એક અજાણી યુવતી આવી હતી અને દુકાનના ટેબલ ઉપર પડેલ રોકડ રકમનો થેલો લઈ નાસી ગઈ હતી. આ થેલામાં રોકડા રૂપિયા 3.30 લાખ હોવાનું તેઓએ જાહેર કરતા સીટી બી ડિવિઝન પોલીસે ચોરીની આ ઘટના અંગે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરીયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ અજાણી યુવતી વેપારીની નજર ચૂકવી દુકાનના ટેબલના ખાનામાંથી રૂ. 3.30 લાખ ઉઠાવીને ફરાર થઇ ગઇ હતી. આ ચોરી કરનાર યુવતી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની બાતમી એલસીબી ટીમને મળતા પોલીસે ત્યાં પહોંચીને આ યુવતી સપનાબેન બચુભાઈ ચાડમીયા (ઉં.વ. 22, રહે. મૂળ કાલાવડ, જામનગર, હાલ રહે. મોરબી હળવદ રોડ પર ખુલ્લામાં) ને તમામ ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધી હતી.



