ઝઘડો કરતાં માનસિક અસ્થિર પૂત્રને બેલું મારી મોત નિપજાવી બારોબાર અંતિમવિધિ કરી નાખી
સરપંચએ તપાસ કરતાં ભાંડો ફુટ્યો : સુલતાનપૂર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ગોંડલના મોટીખીલોરી ગામના સરપંચ પરષોતમભાઇ વલ્ભભાઇ ચોવટીયા ઉ.74એ તેના જ ગામના બાબુ બાવા સોરઠીયા અને હસમુખ બાબુ સોરઠીયા સામે સુલતાનપુર પોલીસમાં હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મોટી ખીલોરી ગામના સરપંચ તરીકે સેવા આપે છે. ગઈકાલ સવારના છ વાગ્યાની આસપાસ ગામના સરદાર આવાસ પાસે રોડના કામ માટે જે.સી.બી. ચાલતા હોય ત્યાં આંટો મારવા ગયેલ હતાં. ત્યાં જાણવા મળેલ કે ગામનો હરેશ ઉર્ફે રામો બાબુભાઇ સોરઠીયા ઉ.35 વ્હેલી સવારે ગુજરી ગયેલ છે અને તેની અંતિમવિધી પણ પુરી થઇ ગયેલ છે. બાદમાં તેઓ બપોરના સમયે ગામમા જઈને તપાસ કરતા જાણવા મળેલ કે, મૃતક હરેશ અને તેના પિતા વચ્ચે કોઇ કારણે ઝઘડો થયેલ હતો જેથી મૃતક હરેશના પિતા બાબુ બાવા સોરઠીયાને મળેલ અને આ બનાવ બાબતે પુછતા તેમને વાત કરેલ કે, ગઇ તા. 30/04/2024 ના હું આખો દિવસ આપણા ગામના હરેશભાઈ જાદવની વાડીએ મજુરી કામ કરતો હતો અને મારો દિકરો હરેશ પણ ત્યા જ કામ કરતો હતો. સાંજના સમયે કામ કરીને ત્યા સુઇ ગયેલ હતો અને ગઈકાલે વહેલી સવારના પાંચેક વાગ્યે ઉઠીને અમારા ઘરે જવા નીકળેલ અને હરેશ ઉર્ફે રામો ઘરે આવીને કોઇની સાથે ઝઘડો ન કરે માટે હું પણ તેની સાથે ઘરે આવેલ અને ઘરે આવીને તેને જમવાનુ બનાવાનુ કહેલ જેથી મેં કહેલ કે, તારી મા અને બહેનો સુતી છે તેને જગાડવી નથી ઉઠશે ત્યારે બનાવી દેશે કહેતાં હરેશ ઉર્ફે રામો ઝઘડો કરવા લાગેલ અને મને મારવા દોડેલ હતો.
- Advertisement -
બાદમાં અમારા બન્ને વચ્ચે મારામારી થયેલ અને હરેશ મને મારતો હતો ત્યારે મારો બીજો પુત્ર હસમુખ જે બીજા રૂમમાં સુતો હતો ત્યાંથી જાગીને દોડી આવેલ અને હરેશને પકડીને છોડાવા જતા તેના હાથમાં બટકુ ભરી લીધેલ હતું. જેથી હસમુખે હરેશને પકડીને ધકકો મારતા તે નીચે જમીન પર પડી ગયેલ અને ઘરમાં બેલા પડેલ હતાં જેમાથી મે એક બેલુ લઇ હરેશના માથામાં મારી દેતા તેને લોહી નીકળવા લાગેલ અને થોડીવારમાં તે મોતને ભેંટ્યો હતો. ત્યારબાદ પિતા-પુત્રએ પત્નિ અને બન્ને દિકરીઓને જગાડેલ તેમજ તેમના ભાઈ દેવરાજ તથા ભત્રીજા રાજેશને બોલાવી હરેશ અગાસી ઉપરથી પડી ગયેલ છે તેમ કહી હરેશની લાશની અંતિમવિધી કરી નાખેલ છે. જે વાત ઘરના સભ્યો કે અન્ય ગામના લોકોને પણ કરેલ ન હતી તેમ વાત કરતા યુવાનની હત્યા થયાનું સામે આવ્યું હતું.
ઉપરાંત મૃતક હરેશ ઉર્ફે રામાને છેલ્લા ઘણા સમયથી મગજની બીમારી હોય અને માનસિક રીતે અસ્થિર હતો ફરીયાદ પરથી સુલતાનપુર પોલીસે ગુનો નોંધી યુવકની હત્યા કરનાર પિતા અને તેના ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.